મહેસાણાનું ગૌરવ ગણાતું થોળ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. શિયાળાની શરૂઆત સાથે જ હજારો માઈલ દૂરથી યાયાવર પક્ષીઓ અહીં આવી પહોંચ્યા છે. છેલ્લા બે દાયકામાં થોળમાં આવતા પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. વર્ષ 2004ની સરખામણીએ 2025માં પક્ષીઓની સંખ્યા વધી ત્રણ ગણી થઈ છે. 2004માં 18 હજાર જેટલા પક્ષીઓ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે આ સંખ્યા વધી 55 હજારને પાર પહોંચી છે. જેમાં સૌથી ચોંકાવનારો બદલાવ ફ્લેમિંગો અને કુંજ પક્ષીની સંખ્યામાં જોવા મળ્યો છે. વર્ષ ૨૦૦૪માં થોળમાં ફ્લેમિંગો નહોતા આવતા. પરંતુ આ વર્ષે 12 હજારથી વધુ ફ્લેમિંગોએ થોળમાં ધામા નાખ્યા છે. થોળમાં હંમેશા બતક અને ગીઝ પક્ષીની પ્રજાતિનું પ્રભુત્વ રહ્યું છે. તેઓ સૌથી વધુ સંખ્યામાં આવતા મહેમાનો છે. વર્ષ 2004માં તેમની સંખ્યા 8 હજાર જેટલી હતી, જે વધીને 22 હજારને પાર થઈ ગઈ છે. આ સિવાય પેલિકન, હેરોન્સ, આઇબિસ, અને વેડર્સ સહિત કુલ 150થી વધુ પ્રજાતિના પક્ષીઓ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. છેલ્લા ૨૦ વર્ષમાં અહીંની ઇકોસિસ્ટમમાં થયેલા સુધારા અને સંરક્ષણના પ્રયાસોને કારણે પક્ષીઓની સંખ્યા વધી હોવાનું મનાય છે.