અમદાવાદમાં સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો નોંધાયો છે. કિંમતી ધાતુઓના ભાવમાં થયેલા આ વધારાથી બજારમાં ચર્ચા તેજ બની છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં ઇતિહાસિક વધારો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકો બંને ચિંતિત તેમજ ઉત્સુક બન્યા છે. શુક્રવારે એક કિલો ચાંદીનો ભાવ 2 લાખ 55 હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે. વર્ષ 2025માં ચાંદીના ભાવે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર હાંસલ કર્યો હોવાનું બજાર નિષ્ણાતો જણાવી રહ્યા છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દેશભરના મોટા બજારોમાં પણ ચાંદીની કિંમત 2.50 લાખ રૂપિયાની સપાટીને પાર કરી ચૂકી છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 43 હજાર રૂપિયાને પાર પહોંચ્યો છે. સોનાના ભાવમાં થયેલા આ વધારાથી લગ્ન સીઝન તેમજ સામાન્ય ગ્રાહકો પર સીધી અસર પડતી જોવા મળી રહી છે. બજાર જાણકારોના મતે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ડોલરમાં ઉતાર-ચઢાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી માંગના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક ઉપયોગ અને રોકાણની માંગ વધતા ભાવને વધુ ટેકો મળી રહ્યો છે. નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે જો હાલની પરિસ્થિતિ યથાવત રહે, તો વર્ષ 2026માં ચાંદીનો ભાવ 2 લાખ 75 હજાર રૂપિયાને પણ પાર કરી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો માટે ચાંદી અને સોનાની બજાર આગામી સમયમાં વધુ મહત્વપૂર્ણ બની રહેવાની શક્યતા છે.