ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઉના તાલુકાના નાંદરખ ગામે આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિકારની શોધમાં ચાર સિંહ ગામની સીમમાં ઘૂસી આવ્યા હતા, જેના કારણે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં જોવા મળતા સિંહો આ રીતે વસાહતી વિસ્તારમાં પ્રવેશતા હોવાને કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વહેલી સવારે લગભગ ચાર સિંહ ગામની આજુબાજુ ફરતા જોવા મળ્યા હતા. ગામમાં સિંહોના પ્રવેશ સાથે જ રખડતા ઢોરોમાં નાસભાગ મચી ગઈ હતી. ગાય અને અન્ય પશુઓ પોતાની જાન બચાવવા માટે દોડતા નજરે પડ્યા હતા, જ્યારે સિંહોએ શિકાર માટે પીછો કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સિંહોની અવરજવર છેલ્લા થોડા દિવસોથી વધી રહી છે, જેના કારણે ગામલોકોમાં ભયનો માહોલ છે. લોકો વહેલી સવારે બહાર નીકળતા પહેલા સાવચેતી રાખી રહ્યા છે અને બાળકોને પણ એકલા બહાર ન જવા માટે સૂચના આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સિંહો ગામની સીમમાં પ્રવેશીને ઢોરો તરફ દોડી રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોમાં ચિંતા વધુ વધી છે. વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી છે અને સિંહોને ફરી જંગલ વિસ્તારમાં ખદેડવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિ તથા વહેલી સવારે અનાવશ્યક બહાર ન નીકળવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.