જૂનાગઢના સાસણ ગીરના જંગલમાંથી પ્રકૃતિપ્રેમીઓને આનંદ થાય તેવા સામચાર આવ્યા છે સામે સિંહ દર્શનનો એક સપ્તાહ પહેલા જ થઈ ગયો છે પ્રારંભ.. ગીરના જંગલમાં સિંહ દર્શન માટેની જંગલ સફારીનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. સામાન્ય રીતે ચોમાસાના વેકેશન બાદ જંગલ સફારી નિયત સમયે શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું પૂર્ણ થઈ જતાં વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલી સફારી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ચોમાસાના કારણે જંગલના બિસ્માર બનેલા રસ્તા અને કોઝવેના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાયા બાદ આ પ્રવાસન પ્રવૃત્તિને લીલી ઝંડી આપવામાં આવી છે. સફારીના પ્રથમ દિવસે જ કુલ 150 પરમિટમાંથી 26 જેટલી પરમિટ બુક થઈ ચૂકી છે. જોકે, સફારી વહેલી શરૂ થઈ હોવાની પૂરતી માહિતી ન હોવાને કારણે શરૂઆતના દિવસે પ્રવાસીઓની સંખ્યા થોડી ઓછી જોવા મળી હતી, પરંતુ વનરાજની ઝલક જોવા માટે આવેલા મુલાકાતીઓમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. આગામી 16 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન જંગલ સફારીનું એડવાન્સ બુકિંગ અત્યારથી જ ફૂલ થઈ ગયું છે, જે દર્શાવે છે કે આગામી દિવસોમાં ગીર પ્રવાસીઓથી ઉભરાઈ જશે.