ચૂંટણી આવે ત્યારે જ કેમ જાગે છે ભાજપ? આ સવાલ આજે વાવની ધરતી પરથી ગેનીબેન ઠાકોરે પૂછ્યો છે. વાત એમ છે કે, વાવ-થરાદમાં ચૂંટણીને લઈ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. એવામાં ધરણીધરમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ભાજપ પર વરસ્યા હતા. તેમણે જણાવ્યું કે, “ભાજપને માત્ર ચૂંટણી સમયે જ પ્રજાના વાયદા યાદ આવે છે.” ગેનીબેને ઉમેર્યું કે, “મારા ધારાસભ્યકાળમાં વિસ્તારના અનેક રોડ બનાવ્યા છે, જ્યારે દોઢ વર્ષથી ભાજપના ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી.” વધુમાં તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, “30 વર્ષના શાસન પછી પણ ભાજપને કોંગ્રેસીઓની જરૂર પડે છે. કોંગ્રેસમાંથી ગયેલા જ ભાજપમાં મંત્રી બને છે અને ચૂંટણી લડે છે.” ગેનીબેન ઠાકોરે અંતમાં જણાવ્યું કે, “ભાજપને ઢાંકણીમાં પાણી લેવું જોઈએ.”