ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર-7માં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બેનરો ફાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપથી નવો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના નેતાઓએ આ ઘટનાનો વિરોધ કરતા સમગ્ર મામલાની તપાસ કરવાની માગ કરી છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ મુદ્દે જાહેર કાર્યક્રમ દરમિયાન આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે બેનર ફાડનારાઓને પડકાર આપતાં કહ્યું કે, જો કોઈમાં હિંમત હોય તો દિવસના સમયે સામે આવીને કોંગ્રેસના બેનરને હાથ લગાવીને બતાવે. ગેનીબેને એવો પણ આક્ષેપ કર્યો કે રાત્રિના અંધારામાં છુપાઈને કોંગ્રેસના પ્રચાર સામગ્રીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.