અમરેલીમાં માનવભક્ષી બનેલા ચાર સિંહોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાજુલા અને ખાંભામાં થયેલા બે માનવ હુમલા બાદ વનવિભાગે આ સિંહોને પકડી પાડ્યા હતા. રિપોર્ટમાં માનવ ભક્ષણ પુષ્ટિ થતા, હવે તેમને જુનાગઢ સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવશે જેથી તેઓ ભવિષ્યમાં કોઈ માનવીને નુકસાન ન પહોંચાડે. અમરેલી જિલ્લામાંથી એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમા થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક ઉત્તરાખંડના પ્રકાશચંદ્ર નામના એક વ્યક્તિ પર સિંહે હુમલો કરી તેનુ ભક્ષણ કર્યુ હતુ. જે બાદ ખાંભા રેન્જમાં પાંચ વર્ષના બાળક પર સિંહણે હુમલો કર્યો હતો. આ બંને હુમલા બાદ ચારેય માનવભક્ષી સિંહોને વનવિભાગે આઈડેન્ટીફાય કરી પકડી પાડ્યા હતા અને તેમને પાંજરે પુરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમા ચારેય સિંહોએ માનવભક્ષણ કર્યુ હોવાનું રિપોર્ટમાં સામે આવતા ચારેય સિંહોને આજીવનકેદની સજા કરવામાં આવી છે. હવે આ ચારેય સિંહોને જુનાગઢ સક્કરબાગ ઝુ ખાતે મોકલવામાં આવશે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રાજુલાના કોવાયા ઉતરાખંડના યુવાનના માથું અને પગ મળી આવ્યો હતો. જે બાદ તપાસને અંતે સિંહે યુવકનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ વનવિભાગે માનવભક્ષણ કરનારા સિંહોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ આ ચારેય સિંહોએ માનવ માંસ આરોગ્યુ હોવાથી તેમને મોટી સજાના ભાગરૂપે આજીવન કેદ કરવામાં આવી છે. જેના પગલે આગળ જતા તેઓ વધુ કોઈ માનવીનો શિકાર ન કરે.