આજે રવિવાર હોવા છતાં કેટલીક બેન્ક શાખાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેન્ક કર્મચારીઓની આગામી હડતાળને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને બેન્કિંગ સેવાઓમાં વધુ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. 136 વર્ષના બેન્કિંગ ઇતિહાસમાં પ્રથમવાર રવિવારે બેન્ક ચાલુ રહેવાની સ્થિતિ જોવા મળી રહી છે. બેન્ક કર્મચારીઓ દ્વારા છેલ્લા 11 વર્ષથી વિવિધ માગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે. જેમાં સપ્તાહમાં પાંચ દિવસનો કાર્યકાળ સહિતની માગણીઓનો સમાવેશ થાય છે. આ માગણીઓને લઈને બેન્ક કર્મચારીઓએ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસની હડતાળનું એલાન કર્યું છે. ગુજરાતમાં આશરે 50 હજાર બેન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાય તેવી શક્યતા છે. હડતાળ દરમિયાન બેન્કિંગ સેવાઓ પર અસર થવાની શક્યતા હોવાથી કેટલીક બેન્કોએ અગાઉથી શાખાઓ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ત્રણ દિવસની હડતાળને કારણે ચેક ક્લિયરન્સ, રોકડ વ્યવહારો અને અન્ય બેન્કિંગ કામગીરી પ્રભાવિત થઈ શકે છે. જેના પગલે મોટા પાયે નાણાકીય વ્યવહારો ખોરવાવાની શક્યતા છે. ગ્રાહકોને હડતાળના દિવસો દરમિયાન જરૂરી બેન્કિંગ કામગીરીનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.