ફૂટબોલનો જુસ્સો દુનિયાભરમાં કરોડો ચાહકોને પોતાની તરફ આકર્ષે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેચ પૂરી થયા બાદ મેદાનનું ઘાસ પણ લાખો રૂપિયામાં વેચાઈ શકે? FIFA World Cup 2026ને લઈને આવી જ એક અનોખી માહિતી સામે આવી છે, જે ફૂટબોલ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. રિપોર્ટ્સ અનુસાર, FIFA World Cup 2026ની ફાઈનલમાં ઉપયોગમાં લેવાયેલી ઓરિજિનલ પિચના ખાસ ટુકડાઓ ચાહકો માટે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સામાન્ય ઘાસ નહીં હોય, પરંતુ વિશ્વકપની ફાઈનલ મેચનો એક વાસ્તવિક હિસ્સો હશે, જેને સ્મૃતિચિહ્ન (Memorabilia) તરીકે સાચવી શકાશે. આ ખાસ પિચના દરેક ટુકડાની કિંમત અંદાજે ₹43 હજાર (સ્થાનિક ચલણ મુજબ) રાખવામાં આવી છે. FIFAનું માનવું છે કે ફૂટબોલના ચાહકોને વિશ્વકપના ઈતિહાસનો એક અસલી ભાગ પોતાના ઘરે રાખવાની અનોખી તક મળશે. રસપ્રદ વાત એ છે કે આ ટુકડાઓ માટે પ્રી-ઓર્ડર અત્યારથી જ શરૂ કરવામાં આવ્યા છે. જોકે, તેની ડિલિવરી FIFA World Cup 2026ની ફાઈનલ મેચ પૂર્ણ થયા બાદ જ કરવામાં આવશે. એટલે કે ચાહકોને મેચ બાદ જ આ ખાસ સ્મૃતિચિહ્ન મળશે. હાલમાં આ વેચાણ મર્યાદિત છે. FIFA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પિચના આ ટુકડાઓની ડિલિવરી માત્ર અમેરિકા અને યુરોપના સરનામાં પર જ કરવામાં આવશે. અન્ય દેશોના ચાહકોને આ સુવિધા મળશે કે નહીં, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, FIFA દ્વારા જાહેર કરાયેલી વિગતોમાં પિચના દરેક ટુકડાનું માપ જણાવવામાં આવ્યું છે, પરંતુ તે માપ ઇંચ, સેન્ટિમીટર કે અન્ય કોઈ એકમમાં છે તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. તેથી આ બાબતે હજુ કેટલીક વિગતો સામે આવવાની બાકી છે. વિશ્વભરમાં સ્પોર્ટ્સ મેમોરેબિલિયાની માંગ સતત વધી રહી છે. ખેલાડીઓની જર્સી, બોલ, મેડલ અને અન્ય વસ્તુઓ બાદ હવે મેદાનની ઓરિજિનલ પિચના ટુકડાઓ પણ ચાહકો માટે એક અનોખું કલેક્શન બનવા જઈ રહ્યા છે.