રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓની મુલાકાત લીધી. તેમણે શિક્ષણ વ્યવસ્થા, મધ્યાહન ભોજન યોજના અને નીપુણ ભારત કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓની મુલાકાત લઈ શિક્ષણ વ્યવસ્થાની કામગીરીને નજીકથી નિહાળી. શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ખોખો રમીને બાળકોને પ્રોત્સાહન આપ્યું. રમતગમત સાથે શિક્ષણનું સંતુલન મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું અને બાળકોના ઉત્સાહને વધાવ્યો. આ પ્રસંગે વાલીઓ સાથે બેઠક યોજી શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથે સાથે SMC ની મીટિંગમાં હાજરી આપી શાળા વિકાસ, વિદ્યાર્થી હાજરી અને ગુણવત્તા સુધારાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે અમારો વિભાગ ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યો છે. ખાસ કરીને મધ્યાહન ભોજન યોજનાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે અહીં બાળકોને ગરમ અને શુદ્ધ ભોજન આપવામાં આવે છે, જે તેમના આરોગ્ય અને અભ્યાસ માટે અત્યંત ઉપયોગી છે.