ગૃહિણીઓનું બજેટ ખોરવતા માર્કેટના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની સિઝન ચાલુ છે, ત્યારે જ તેલના વેપારીઓએ મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. સિંગતેલના ભાવમાં સીધો રૂપિયા 50નો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે, જેને પગલે સિંગતેલના એક ડબ્બાનો ભાવ રૂપિયા 3050ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો.. તો બીજી તરફ, રોજિંદા વપરાશમાં લેવાતા કપાસિયા તેલમાં પણ રૂપિયા 25નો વધારો થતાં તેનો ડબ્બો હવે રૂપિયા 2850 થઈ ગયો છે.. સામાન્ય રીતે જન્માષ્ટમી જેવા મોટા તહેવાર બાદ બજારમાં તેજી ઓછી થતી હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર સાવ ઉલટું છે. વરસાદ ખેંચાવાના કારણે માર્કેટમાં મગફળી અને કપાસિયાની આવક પર ખૂબ જ માઠી અસર પડી છે. નવી આવક ઘટવાના કારણે અને સામે તહેવારોને લીધે સિંગતેલ તથા કપાસિયા તેલની માગ સતત વધતા આ ભાવવધારો ઝીંકાયો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે, તહેવારોમાં મીઠાઈ અને પકવાન બનાવવા જતી ગૃહિણીઓ આટલા મોંઘા ડબ્બા કેવી રીતે ખરીદશે?