દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ મહિનાથી જ આકરી ગરમી શરૂ થઈ જતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. આ કાળઝાળ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. IMDની ભવિષ્યવાણી મુજબ, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવી શકે છે. આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. અનુમાન છે કે, 18થી 25 મેની વચ્ચે અહીં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ સાથે કેરળ અને તમિલનાડુના દક્ષિણ ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે.