દીવના દરિયામાં વહેલી સવારે કુદરતનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. સમુદ્રમાં એકસાથે 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ જોવા મળતાં સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરિયામાં ડોલ્ફિનની મનમોહક કૂદાકૂદી અને એકસાથે તરતા દૃશ્યોએ સૌનું ધ્યાન ખેંચી લીધું હતું. ડોલ્ફિનનું ઝુંડ જોવા મળ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દરિયાકાંઠે પહોંચી ગયા હતા. લોકોએ આ દુર્લભ દૃશ્યોને પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. અનેક પ્રવાસીઓ માટે આ ક્ષણ યાદગાર બની હતી, જ્યારે બાળકો અને પરિવાર સાથે આવેલા લોકો પણ ડોલ્ફિનને નજીકથી જોઈ આનંદિત થયા હતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વહેલી સવારે સમુદ્રનું પાણી શાંત હોવાથી ડોલ્ફિન વધુ સરળતાથી જોવા મળે છે. શાંત વાતાવરણમાં ડોલ્ફિન ખોરાકની શોધમાં અથવા ટોળામાં તરતી જોવા મળતી હોય છે. આ સમય દરમિયાન દરિયાઈ જીવસૃષ્ટિની કુદરતી ગતિવિધિઓ પણ વધુ સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. દીવનો દરિયાકિનારો તેની કુદરતી સુંદરતા અને સમૃદ્ધ દરિયાઈ જીવસૃષ્ટિ માટે જાણીતો છે. સમયાંતરે અહીં ડોલ્ફિન જોવા મળતી હોવાના બનાવો સામે આવતા રહે છે, પરંતુ એકસાથે 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ જોવા મળવું દુર્લભ માનવામાં આવે છે. આ અનોખા દૃશ્યે સ્થાનિકો અને પ્રવાસીઓ બંને માટે યાદગાર અનુભવ સર્જ્યો છે.