કચ્છ જિલ્લામાં સર્જાયેલી ડીઝલની અછતની ઝાળ હવે ખેડૂતોની સાથે સાથે પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ દઝાડી રહી છે. કેટલાક પેટ્રોલપંપો પર ડીઝલ જ ઉપલબ્ધ નથી, જ્યારે અન્ય કંપનીનાં પેટ્રોલપંપ ઉપર સિમિત માત્રામાં ડીઝલ આપવામાં આવે છે. આથી રાજ્ય બહાર જતી ટ્રકો માટે કપરી સ્થિતિ સર્જાઇ છે. કંડલા અને મુન્દ્રા જેવા દેશના મહત્વપૂર્ણ બંદરો સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટરો પર ઇંધણ સંકટની સીધી અસર પડતાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે ચિંતા વ્યાપી છે. એક તરફ ડીઝલ મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. તો બીજી તરફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી સ્થિતિને કારણે જહાજોની અવર જવર પણ ખોરવાઇ છે. આથી મુંદ્રા અને કંડલા બંદર પર કાર્ગોની અવરજવર પણ બાધીત થઇ છે. આની સીધી અસર ટ્રાન્સોપર્ટ ઉદ્યોગને થઇ છે. સમયસર કન્ટેનર અને માલસામાન પોર્ટ સુધી ન પહોંચે તો આયાત-નિકાસ પ્રક્રિયામાં વિલંબ સર્જાઈ શકે છે, જેના કારણે ઉદ્યોગોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. સતત ઘટતા ધંધા અને વધતા ખર્ચ વચ્ચે વાહનોના હપ્તા, વીમા અને અન્ય ખર્ચ ઉઠાવવો ટ્રાન્સપોર્ટરો માટે આકરો બની રહ્યો છે. ટ્રાન્સપોર્ટરો સહાય પેકેજની માગ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનોનું માનવું છે કે જો તાત્કાલિક રાહત પગલાં નહીં લેવામાં આવે તો નાના અને મધ્યમ ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારો આર્થિક સંકટમાં સપડાઈ શકે છે. ડીઝલની અછત અંગે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનએ CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. વાસણ આહીરે ડીઝલની અછત દૂર કરવા તાત્કાલિક વડાપ્રધાનના હસ્તક્ષેપની માગ કરી છે.