ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ બાદ સમગ્ર વિસ્તાર હરિયાળીની લીલી ચાદરથી ઢંકાઈ ગયો છે. વરસાદી માહોલ વચ્ચે કુદરતનું મનમોહક રૂપ ખીલી ઊઠ્યું છે, જેના કારણે ડાંગના પ્રખ્યાત પર્યટન સ્થળોએ પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. વરસાદથી નદીઓ, ઝરણાં અને પહાડીઓ જીવંત બની ગયા છે, જેના અદભૂત દૃશ્યો લોકોના મનને મોહી રહ્યા છે. આહવા નજીક આવેલો શંકર ધોધ વરસાદ બાદ પોતાના પૂર્ણ વહેણ સાથે ધબકતો જોવા મળી રહ્યો છે. ધોધનું ગર્જન અને આસપાસ ફેલાયેલી હરિયાળી કુદરતપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ બની છે. ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ અદભૂત દૃશ્યોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે અને કુદરતની સુંદરતાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. બીજી તરફ, સાપુતારાનું પ્રખ્યાત સર્પગંગા તળાવ પણ વરસાદી માહોલ વચ્ચે વધુ રમણીય બની ગયું છે. તળાવની આસપાસ છવાયેલો ધુમ્મસ, ઠંડો પવન અને હરિયાળી વાતાવરણ પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવી રહ્યા છે. બોટિંગ સહિતની પ્રવૃત્તિઓનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન ડાંગની કુદરતી સુંદરતા પોતાના શ્રેષ્ઠ સ્વરૂપમાં જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા સારા વરસાદના કારણે જંગલો, ધોધ અને તળાવો નવા રંગમાં રંગાઈ ગયા છે. આ મનોહર દૃશ્યોને નિહાળવા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી તેમજ બહારના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ડાંગ તરફ આવી રહ્યા છે. પ્રવાસન સાથે સ્થાનિક વેપારને પણ ગતિ મળી છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય પ્રવાસન આધારિત વ્યવસાયોમાં ચહલપહલ વધી છે. જો આગામી દિવસોમાં વરસાદનો માહોલ યથાવત રહેશે તો ડાંગના પર્યટન સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.