હવામાનને લઈને અંબાલાલ પટેલે ફરી એકવાર મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી સમયમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હવામાનની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને 5 ઓક્ટોબરની આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમો આગળ વધે તો તેની અસર દરિયાઈ વિસ્તારો ઉપરાંત ગુજરાતના હવામાન પર પણ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 16 ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ચક્રવાત બનવાની શક્યતા છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકથી વધુ હવામાની સિસ્ટમો સક્રિય થઈ શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની સ્થિતિ ઊભી થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આ વખતે તીવ્ર ચક્રવાતો બનવાની શક્યતા અંગે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. જોકે, ચક્રવાતની ચોક્કસ દિશા, તીવ્રતા અને તેની અસર કયા વિસ્તારોમાં થશે તે અંગે સ્પષ્ટતા માટે હવામાન વિભાગની આગામી આગાહીઓ મહત્વપૂર્ણ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે આગામી દિવસોમાં હવામાન વિભાગની સૂચનાઓ પર નજર રાખવી જરૂરી રહેશે. ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમયગાળો ચક્રવાતની દૃષ્ટિએ મહત્વનો ગણાય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો કઈ દિશામાં આગળ વધે છે અને તે કેટલા મજબૂત બને છે તેના આધારે તેની અસર નક્કી થશે. તેથી આગામી દિવસોમાં હવામાનમાં થતા ફેરફારો પર સૌની નજર રહેશે.