ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની સરખામણીએ જાન્યુઆરીમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે..ગત રાત્રે રાજ્યના 11 મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે સરકી ગયો હતો.જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.કચ્છનું નલિયા 8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન નલિયામાં તાપમાન 7થી 8 ડિગ્રીની વચ્ચે જળવાઈ રહેશે.હવામાન વિભાગના આાગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો તબક્કાવાર વધારો થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળશે. જોકે, હવામાન નિષ્ણાતોનું માનવું છે કે 10 જાન્યુઆરી બાદ ફરી એકવાર ઠંડી જોર પકડશે અને સરેરાશ લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે જઈ શકે છે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો સૌથી ઓછુ નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તો રાજકોટમાં 10.8 ડિગ્રી અને ભુજમાં 11 ડિગ્રી તાપમાન રહેતા ત્યાં પણ તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે દાહોદમાં 12.8 ડિગ્રી સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે.દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો કંડલામાં 13 ડિગ્રી અને પોરબંદરમાં 14.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. તો ડીસામાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો વડોદરામાં13.2 ડિગ્રી અને ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે