CNG કીટ ધરાવતી કાર ચલાવતા વાહનચાલકોએ સલામતી માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. CNG કીટની નિયમિત તપાસ કરાવવી જોઈએ અને કારમાં હંમેશા માન્ય તથા પ્રમાણિત કીટ જ લગાવડાવવી જોઈએ. આ ઉપરાંત CNG સિલિન્ડરનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરાવવું પણ જરૂરી છે. કારમાં ગેસ લીકેજની નિયમિત ચકાસણી કરાવતા રહેવું જોઈએ. CNG પાઈપ અથવા વાલ્વમાં કોઈપણ પ્રકારનું નુકસાન જણાય તો તેને તરત જ બદલાવી દેવું જોઈએ. ખાસ કરીને કારમાંથી ગેસની ગંધ આવે તો વાહન તરત બંધ કરી દેવું અને સલામત સ્થળે તપાસ કરાવવી જોઈએ. આવી સ્થિતિમાં કોઈપણ ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ કે બંધ ન કરવો, કારણ કે સ્પાર્કથી આગ લાગવાનું જોખમ રહે છે. CNG કારમાં ધૂમ્રપાન અથવા આગનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. CNG ભરાવતી વખતે કારનું એન્જિન સંપૂર્ણપણે બંધ રાખવું જરૂરી છે. CNG કીટમાં જાતે કોઈપણ પ્રકારનો ફેરફાર કે છેડછાડ ન કરવી જોઈએ, પરંતુ પ્રમાણિત ટેક્નિશિયન પાસે જ તેની તપાસ અથવા સમારકામ કરાવવું જોઈએ. જો કારનો અકસ્માત થયો હોય તો અકસ્માત બાદ CNG કીટ અને સિલિન્ડરની ખાસ તપાસ કરાવવી જોઈએ. વાહનચાલકોએ કારમાં યોગ્ય ફાયર એક્સ્ટિંગ્વિશર પણ રાખવું જોઈએ, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં પ્રાથમિક સુરક્ષા મેળવી શકાય. CNG વાહનમાં નિયમિત જાળવણી અને સાવચેતી રાખવાથી અકસ્માતના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે.