ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે હવે ગરમીનો પારો આસમાને પહોંચશે. આગાહીકાર અંબાલાલ પટેલે ઓક્ટોબર 15 સુધી કાળઝાળ ગરમી રહેવાની કરી છે આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર સુધી આકરો તાપ શેકશે. જેમાં મધ્ય ગુજરાત અને દ્વારકામાં પારો 37થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં 36થી 38 ડિગ્રી તાપમાન રહેવાની વકી છે. જોકે, 10થી 12 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. અને ત્યારબાદ 16 ઓક્ટોબરથી હવામાનમાં મોટો પલટો આવશે તેમજ 17 ઓક્ટોબરથી દરિયામાં ભારે પવન ફૂંકાશે. વૈશ્વિક સ્તરે ‘નોલા' વાવાઝોડું વધુ મજબૂત બનીને સુપર સાયક્લોન બને તેવી આશંકા છે, જેમાં 240 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાની મુખ્ય અસર દક્ષિણ ચીન અને જાપાનમાં જોવા મળશે, પરંતુ જો આ વાવાઝોડાના અવશેષો બંગાળની ખાડીમાં આવશે, તો 12થી 15 ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડી ભારે સક્રિય બનશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, જો 20 ઓક્ટોબરની આસપાસ અલ નીનોની નકારાત્મક અસર નહીં થાય, તો બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ પડી શકે છે. ઓક્ટોબર મહિનાના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ગુજરાતમાં માવઠાની એટલે કે કમોસમી વરસાદની પણ પૂરેપૂરી શક્યતા છે.