છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. આશરે 7000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી ન મળતા લોકોને બે બેડા પાણી માટે આખો દિવસ ભટકવું પડે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો એક હેન્ડપંપથી બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરતા જોવા મળે છે. સ્થાનિકોનો આરોપ છે કે “નળ સે જળ” યોજના હેઠળ નળ, પાણીની ટાંકી અને સંપ તો બનાવવામાં આવ્યા છે પરંતું કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નળમાં પાણી પહોંચતું નથી. કલાકોની મહેનત બાદ જે પાણી મળે છે તે પણ ગંદું આવવાના કારણે લોકો પીવાના પાણી માટે વલખાં મારવા મજબૂર થયા છે.