ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે હજુ પણ કમોસમી વરસાદ ગુજરાતને ધમરોળી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઇને મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ગુજરાત પર એકસાથે બે સિસ્ટમ સક્રિય થઇ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી આ બંને સિસ્ટમ અને ભેજવાળા પવનો વરસાદ લાવશે. આગામી 24 કલાકમાં કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા રાજ્યના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. મોટાભાગના શહેરોના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. જેના કારણે કાળઝાળ ગરમીમાં શેકાઇ રહેલા લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે