સૌરાષ્ટ્રમાં થયેલા માવઠાને કારણે થયેલા વ્યાપક નુકસાનનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારની એક ઉચ્ચ સ્તરીય ટીમ રાજકોટ પહોંચી છે. કેન્દ્રીય સચિવ કક્ષાની આ ટીમે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. આ સર્વેક્ષણમાં માત્ર ખેતી પાકને થયેલા નુકસાનનો જ નહીં, પરંતુ માર્ગ-મકાન વિભાગ, PGVCL (વીજ કંપની) સહિતના વિવિધ ક્ષેત્રોને થયેલી નુકસાની અંગે પણ વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. આ ટીમે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી નુકસાનીના આંકડાઓ એકત્રિત કર્યા છે. આ સર્વે પૂર્ણ થયા બાદ ટીમ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને પોતાનો વિગતવાર રિપોર્ટ સોંપશે, જેના આધારે રાજ્યને સહાય પેકેજની જાહેરાત થઈ શકે છે.