કેન્દ્ર સરકારે ચાંદીના આયાત પર કડક નિયંત્રણ લગાવતા અનેક કેટેગરીને “ફ્રી” યાદીમાંથી કાઢીને “રિસ્ટ્રિક્ટેડ” કેટેગરીમાં મૂકી દીધી છે. હવે આવી ચાંદીના આયાત માટે ખાસ મંજૂરી લેવી પડશે. સરકારએ આ નિર્ણય દેશમાં વધી રહેલા કિંમતી ધાતુઓના આયાતને નિયંત્રિત કરવા અને ટ્રેડ ડેફિસિટ ઘટાડવાના હેતુથી લીધો હોવાનું માનવામાં આવે છે. સોનું અને ચાંદીના વધતા આયાતથી વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધી રહ્યું હોવાથી કેન્દ્ર સરકાર સખ્ત બની છે. સરકારને આશંકા છે કે સોનાં પર વધેલી ઇમ્પોર્ટ ડ્યૂટી બાદ લોકો ચાંદી તરફ વધુ વળી શકે છે, જેના કારણે હવે ચાંદીના આયાત પર પણ નજર કડક કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે કિંમતી ધાતુઓના વધતા આયાતથી કરંટ અકાઉન્ટ ડેફિસિટમાં વધારો થઈ શકે છે. સરકારી આંકડા મુજબ એપ્રિલ મહિનામાં સોનું અને ચાંદીનો આયાત છેલ્લા લગભગ 30 વર્ષના નીચલા સ્તરે નોંધાયો છે.