અમદાવાદના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. દિવસ દરમિયાન ધૂળિયું વાતાવરણ રહેતાં અચાનક બદલાયેલા માહોલે શહેરવાસીઓને આશ્ચર્યચકિત કર્યા છે. પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ખાસ કરીને પવનની સાથે વરસાદ વરસ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારમાં કરાં પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. અચાનક આવેલા આ વાતાવરણના ફેરફારે દૈનિક જીવન પર થોડો પ્રભાવ પાડ્યો છે. શાહીબાગ અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદ એરપોર્ટ અને સરદારનગર વિસ્તારમાં પણ વરસાદ પડતાં હવામાનમાં ઠંડકનો અહેસાસ થયો છે. હવામાન વિભાગ મુજબ આવનારા સમયમાં પણ આવા ફેરફારો જોવા મળી શકે છે, જેથી લોકો સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.