પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસમાં ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલને મોટી રાહત. નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પરત ખેંચવાની કવાયત તેજ. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને પાટીદાર અનામત આંદોલન બાદના વધુ એક કેસમાં સરકાર તરફથી મોટી રાહત મળી છે. આંદોલન બાદ વર્ષ 2018માં અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હાર્દિક સામેની ફરિયાદને પરત ખેંચવા માટેની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. વર્ષ 2018માં હાર્દિક પટેલ, ગીતા પટેલ તેમજ અન્ય પાટીદાર આગેવાનોએ મંજૂરી વિના પ્રતીક ઉપવાસ કર્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ, ઉશ્કેરણીજનક ભાષણો બદલ તેમની વિરૂદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ કેસની ટ્રાયલ ચાલે છે. અગાઉ હાર્દિક પટેલ વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. હવે સરકારી પક્ષે ફરિયાદ પરત ખેંચવા તમામ જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી છે.