છોટાઉદેપુરના કવાંટ તાલુકાનું ભેખડીયા ગામ. લગભગ 1200ની વસ્તી ધરાવતું આ આદિવાસી ગામ આજે એક મિસાલ બન્યું છે. આ ગામમાં એક સમય હતો જ્યારે લોકોની મહેનતની કમાણીનો મોટો હિસ્સો દારૂમાં વપરાઈ જતો અને નશાના કારણે ઘર-ઘરમાં કંકાસ થતો. પરંતુ ગામના મોભી અને વડીલોએ લોકોને એકઠા કરી એક જ સવાલ પૂછ્યો. મહેનતની કમાણી નશામાં કેમ વેડફવી? અને આ વાત ગામલોકોના હૃદય સુધી પહોંચી અને સૌની સંમતિથી દારૂ સહિત તમામ પ્રકારના નશાને બંધ કરવાનો સંકલ્પ લેવાયો.. જેને પગલે આજે પણ ગામમાં દારૂ, બીડી, સિગારેટ અને પાન-મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, ગ્રામજનોએ લગ્ન પ્રસંગમાં પણ અનેક ખર્ચાઓ પર કાપ મૂક્યો છે. વ્યસનમુક્તિની સૌથી મોટી અસર ગામની મહિલાઓના જીવનમાં જોવા મળી રહી છે. પહેલાં દારૂના નશામાં થતા ઝઘડા અને ઘરના કંકાસથી પરેશાન મહિલાઓ આજે પરિવાર સાથે શાંતિથી જીવન જીવી રહી છે. નશામાં વેડફાતા પૈસા હવે બાળકોના શિક્ષણ અને પરિવારની જરૂરિયાતો પાછળ ખર્ચાઈ રહ્યા છે. ભેખડીયાએ સાબિત કર્યું છે કે વ્યસનમુક્તિ માટે મોટા ભાષણોની નહીં પરંતું એક અડગ નિર્ણયની જરૂર છે.