ચૈત્ર મહિનો ધાર્મિક કાર્યો માટે અનેરું મહત્વ ધરાવે છે. ત્યારે ચૈત્ર માસમાં જ કીડીયારું પુરવાનું પણ વિશેષ મહત્વ છે. જેને પગલે ભાવનગરના સરિતા સોસાયટીમાં રહેતા સેવાભાવી રહીશોએ એકઠા થઈને કીડીઓનું પેટ ભરવાનું સેવાકીય કાર્ય શરૂ કર્યું છે. છેલ્લા 17 વર્ષથી આ રહીશો કીડીયારું ભરવાનું સતકર્મ તો કરતાં જ હતા. ગત વર્ષે 50 મણ કીડીયારું ભરાયું હતું. પરંતું આ વર્ષે જેમાં 505 મણનું કીડીયારું ભરવાની મુહીમ શરૂ કરાઈ છે. જેમાં સરિતા સોસાયટીની બહેનો કીડીયારું બનાવીને સેવાનું કાર્ય કરી રહી છે. આ કીડીયારું 150 ગામોમાં પહોંચાડવાનો ધ્યેય છે. એક મણ કીડીયારું બનાવવા પાછળ અંદાજે 1 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જેથી 505 મણ કીડીયારું બનાવવા પાછળ રૂપિયા 5 લાખનો ખર્ચ થયો છે. જે સેવાભાવી સ્થાનિકોએ આર્થિક મદદ કરીને કીડીયારું બનાવ્યું છે. જેને ગામડા તેમજ શહેરોમાં મોકલવામાં આવશે. અને કીડીઓનું પેટ ભરાય તે માટે પ્રયાસ કરાશે. મહત્વનું છે કે 505 મણ કીડીયારુંમાં 130 મણ ગોળ, 300 મણથી વધારો ઘઉંનો લોટ અને ઘી વાપરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સેવામાં જોડાયા છે.