બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના લગ્ન પ્રસંગોમાં DJ બંધ રાખવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે એક ભૂવાજીએ જાહેરમાં સાંસદ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંક્યો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. ભૂવાજી ધૂણતા-ધૂણતા કહ્યું કે, “DJવાળાનું DJ બંધ રાખું તો હું માતા ન કહેવાઉં.” તેમણે વધુમાં દાવો કર્યો કે વીડિયો શૂટવાળાનું કામ પણ બંધ નહીં રહે, કારણ કે દરેકનો પોતાનો ધંધો છે. “ગેનીબેને ભલે કહ્યું હોય, પણ ચૈત્ર મહિનાની બીજ અને વૈશાખ મહિનાની ત્રીજ જેવા પ્રસંગોમાં DJ જરૂર વાગશે,” એમ કહી તેમણે ખુલ્લો પડકાર આપ્યો. ભૂવાજીએ વધુમાં કહ્યું કે તેમને ગેનીબેનને જવાબ આપવાની તાકાત છે અને પોતાની શક્તિથી બધાની બોલતી બંધ કરી દેશે. આ નિવેદનોથી સમાજમાં મતભેદ વધુ ઊંડા થયા છે અને મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વિવાદ વધ્યા બાદ ભૂવા ટીનાજી ઠાકોરે સ્પષ્ટતા પણ આપી. તેમણે જણાવ્યું કે રતનપરા ગામે યોજાયેલી રમેલ દરમિયાન માતાજી દ્વારા DJ અને સાઉન્ડ અંગે વાત કરવામાં આવી હતી. “DJ વાગશે, પરંતુ રમેલ અને ભજનમાં જ વાગશે,” એમ તેમણે સમજાવ્યું.