અમદાવાદ શહેરની રાજનીતિમાં એક નવી હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસના વધુ એક ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચર્ચાઓ તેજ બની ગઈ છે. ચાંદલોડિયા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસમાં એક બાદ એક ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં આ કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી ચાર ઉમેદવારો પોતાના નામ પરત ખેંચી ચૂક્યા છે. આ પરિસ્થિતિ પાર્ટીના આંતરિક સંઘર્ષ અને દબાણની ચર્ચાઓને વધુ બળ આપી રહી છે. માહિતી મુજબ, ગઈકાલે જ પ્રદીપ પટેલ કોંગ્રેસ કાર્યાલયના રક્ષણ માટે પહોંચ્યા હતા અને તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના હોદ્દેદારો દ્વારા ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આ આરોપો બાદ માત્ર 24 કલાકની અંદર જ પ્રદીપ પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું, જેનાથી રાજકીય વર્તુળોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.