અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહ રોડ પર જોવા મળતા વન વિભાગ સતર્ક બન્યો છે. જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટ નજીક હાઇવે પર સિંહ અચાનક આવી ચઢતા થોડા સમય માટે વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગના ફોરેસ્ટ ગાર્ડે સતર્કતા દાખવી સિંહને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરાવ્યો હતો. આ દરમિયાન વાહનોને થોડીવાર માટે રોકી રાખવામાં આવ્યા હતા, જેથી સિંહને કોઈ પ્રકારનો ખતરો ન રહે અને તે સુરક્ષિત રીતે જંગલ તરફ જઈ શકે. તાજેતરમાં સિંહોના અકસ્માતમાં મોતની ઘટનાઓ વધી રહી હોવાથી વન વિભાગ ખાસ એલર્ટ મોડમાં છે. સિંહો રોડ પર આવી જતા અકસ્માતનો ભય રહેતો હોય છે, તેથી વન વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજુલા રેન્જ હેઠળના હાઇવે વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. વન વિભાગની ટીમ સતત નજર રાખી રહી છે, જેથી સિંહો અને વાહનચાલકો બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. વન વિભાગ દ્વારા વાહનચાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે જંગલ વિસ્તાર કે હાઇવે પર સિંહ જોવા મળે તો ગભરાવું નહીં અને વાહન ધીમું રાખીને સુરક્ષિત અંતર જાળવી રાખવું.