અમદાવાદ શહેરમાં રસ્તા પર આડેધડ પાર્કિંગની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્રે હવે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. ટ્રાફિક અને નાગરિકોની મુશ્કેલી ઘટાડવા માટે નવી માર્ગદર્શિકા અમલમાં મુકવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં બિલ્ડિંગ અને સોસાયટીઓ પર સીધી જવાબદારી નાખવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ, જો બિલ્ડિંગની બહાર રસ્તા પર વાહનો પાર્ક કરવામાં આવશે તો સંબંધિત બિલ્ડિંગનું બી.યુ (બિલ્ડિંગ યુઝ) પરમિશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ શકે છે. એટલું જ નહીં, બિલ્ડિંગમાં આવતા મુલાકાતીઓના વાહનોને પણ રોડ પર પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેનાથી પાર્કિંગ માટે આંતરિક વ્યવસ્થા અનિવાર્ય બનશે. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે પાર્કિંગની સંપૂર્ણ જવાબદારી હવે બિલ્ડિંગના સભ્યો અને સંચાલકોની રહેશે. દરેક સોસાયટી અને બિલ્ડિંગમાં પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા સાથે પીળા પટ્ટા (Yellow Marking) અને સ્પષ્ટ સાઈન બોર્ડ લગાવવાના રહેશે, જેથી વાહનોનું નિયમિત અને વ્યવસ્થિત પાર્કિંગ થઈ શકે. આ નિયમોનો અમલ અત્યાર સુધી મુખ્યત્વે કોમર્શિયલ એકમો માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે તેને રેસીડેન્સીયલ વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયથી શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરાંત, બિલ્ડિંગ અને સોસાયટીઓને દર વર્ષે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે કે પાર્કિંગમાં કોઈ પણ પ્રકારનું દબાણ (Encroachment) નથી. જો કોઈ ખોટી માહિતી આપવામાં આવશે અથવા નિયમોનું ઉલ્લંઘન થશે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.