કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે ! અમદાવાદના નોબલનગર વિસ્તારમાં થયેલા અકસ્માતમાં આવું જ બન્યું. જેને જોઈને કોઈના પણ શ્વાસ અટકી જાય. કાર નીચે આવી ગયેલી બાળકી અદ્દભુત રીતે સુરક્ષિત રીતે બચી ગઇ. અમદાવાદના નોબલનગર વિસ્તારમાં બનેલી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, શિનગર બંગલાના કોમન પ્લોટમાં એક બાળકી રમતી હતી ત્યારે અચાનક એક કાર આવે છે. અને પળવારમાં બાળકી કારની નીચે આવી જાય છે. કારચાલક રોકે ત્યાં સુધીમાં બાળકી આખી કાર નીચે આવી ગઈ હતી. આસપાસના લોકો દોડી આવ્યા અને એક ક્ષણ માટે બધાના હોશ ઉડી ગયા. કારચાલક સગીર યુવાન નીચે ઉતરીને જુએ છે તો આશ્ચર્યજનક રીતે બાળકી એકદમ હેમખેમ છે !કારનું ટાયર બાળકીથી થોડી દૂર રહેતાં ચમત્કારિક રીતે તેને કશું જ થયું નથી. બાળકી પોતાની રીતે કારની નીચેથી હેમખેમ બહાર નીકળી જાય છે. અકસ્માત બાદ એ હકીકત સામે આવી કે, કાર ચલાવનાર કિશોર સગીર વયનો હતો, સાવચેતી વિના અને ગફલતભરી રીતે કાર ચલાવવાના આરોપસર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. સાથે જ કારના માલિક સામે પણ ફરિયાદ દાખલ થઇ છે.