અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ પૂરતો બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના અતિ વ્યસ્ત ગણાતા શાહીબાગ અંડરબ્રિજ આગામી 23 જાન્યુઆરીથી 5 દિવસ માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. ટ્રાફિક પોલીસે અલગ અલગ 3 વૈકલ્પિક રૂટની જાહેરાત કરી છે. અસારવા, ગિરધરનગર, દિલ્લી દરવાજા અને કાલુપુર તરફ જવા માટે શાહીબાગ થઈ મહાપ્રજ્ઞ બ્રિજનો ઉપયોગ કરી શકશે. ગિરધરનગર-અસારવા તરફથી આવતો ટ્રાફિક ગાંધીનગર કે એરપોર્ટ જવા માટે શાહીબાગ થઈ એનેક્સી, આર્મી કેન્ટોનમેન્ટ થઈને જઈ શકશે.