અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાં ફૂડ હાઈજીન અને સ્વચ્છતામાં પારદર્શિતા વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. AMC ફૂડ વિભાગ દ્વારા અમદાવાદની 11,123 રેસ્ટોરન્ટને ઈમેલ મારફતે સૂચના આપવામાં આવી છે કે હવે રેસ્ટોરન્ટના કિચન વિસ્તારમાં CCTV કેમેરા લગાવવાની સાથે તેનો લાઈવ ફીડ ગ્રાહકોને દેખાય તેવી વ્યવસ્થા કરવી પડશે. AMCની સૂચના મુજબ રેસ્ટોરન્ટમાં કિચનનો લાઈવ CCTV ફીડ રિસેપ્શન અથવા ગ્રાહકોને સરળતાથી દેખાય તેવી જગ્યાએ ડિસ્પ્લે પર દર્શાવવાનો રહેશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ કિચનમાં સ્વચ્છતા, ફૂડ સેફ્ટી અને હાઈજીન અંગે વધુ પારદર્શિતા લાવવાનો છે. ગ્રાહકો રેસ્ટોરન્ટના કિચનમાં ખોરાક કેવી રીતે તૈયાર થાય છે અને સ્વચ્છતાની સ્થિતિ કેવી છે તે જોઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે AMCના આ નિર્ણય સામે હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખે કિચનમાં લાઈવ CCTV ફીડ ગ્રાહકોને બતાવવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે મોટી હોટલના કિચનમાં સતત લાઈવ CCTV ફીડ ગ્રાહકોને બતાવવો વ્યવહારિક રીતે મુશ્કેલ બની શકે છે. સાથે જ CCTVના કારણે ગ્રાહકો અને રેસ્ટોરન્ટ સ્ટાફ વચ્ચે તકરાર વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રેસ્ટોરન્ટ એસોસિએશન તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે માત્ર CCTVના લાઈવ ફીડથી કિચનમાં ભેળસેળ થતી હોય કે નહીં તે નક્કી કરવું હંમેશા શક્ય નથી. તેથી માત્ર CCTVના આધારે ફૂડ હાઈજીન અને ગુણવત્તા અંગે નિર્ણય લેવો યોગ્ય ન હોવાનું એસોસિએશનનું માનવું છે. હવે ગુજરાત રેસ્ટોરન્ટ એસોસિએશન આ સમગ્ર મુદ્દે AMC સાથે ચર્ચા કરશે. રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા નિર્ણયમાં ફેરફાર કરવા અથવા રેસ્ટોરન્ટ સંચાલકો અને AMC બંને માટે સુખદ ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. આ મામલે AMC અને રેસ્ટોરન્ટ એસોસિએશન વચ્ચેની આગામી ચર્ચા બાદ અંતિમ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.