પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ બાદ હવે કેન્દ્ર સરકાર સ્વચ્છ ઊર્જા અને ઊર્જા સુરક્ષા તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારીમાં છે. ટૂંક સમયમાં ઇથેનોલનો ઉપયોગ રસોઈ બળતણ તરીકે શરૂ થઈ શકે છે. જો આ યોજના અમલમાં આવશે તો દેશની આયાતી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) પરની નિર્ભરતા ઘટશે અને સામાન્ય પરિવારોના રસોડાનો ખર્ચ પણ ઓછો થઈ શકે છે. ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ઇથેનોલને પ્રાથમિક રસોઈ બળતણ તરીકે રજૂ કરવા માટે નીતિ તૈયાર કરી રહ્યું છે. સરકાર આ માટે સબસિડી, સપ્લાય ચેઇન વિકાસ અને જરૂરી માળખાગત સુવિધાઓ ઉભી કરવાની દિશામાં પણ વિચારણા કરી રહી છે. ઇંધણ સપ્લાયર્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. સપ્ટેમ્બર સુધીમાં આવી શકે નવી નીતિ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સરકાર એવી નીતિ પર કામ કરી રહી છે, જેના હેઠળ ઘરોમાં LPG સાથે ઇથેનોલ આધારિત રસોઈ બળતણનો પણ ઉપયોગ કરી શકાય. પ્રાથમિક માહિતી મુજબ, આ નીતિ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ શકે છે. ઇથેનોલ ખાંડ અને વિવિધ અનાજના આથાથી તૈયાર થતું સ્વચ્છ અને હરિત બળતણ છે. એપ્રિલ મહિનામાં પણ એવા અહેવાલો સામે આવ્યા હતા કે સરકારના માર્ગદર્શન હેઠળ ઘરેલુ ઉપયોગ માટે ઇથેનોલ આધારિત રસોઈ સ્ટવનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ટેક્નોલોજી સફળ થાય તો LPG પરની નિર્ભરતા ઘટાડવામાં અને દેશના વધતા ઇંધણ ખર્ચમાં રાહત મેળવવામાં મદદ મળી શકે છે. દેશમાં ઇથેનોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રસોઈ માટે ઇથેનોલને પ્રોત્સાહન આપવાનું એક મોટું કારણ દેશમાં તેનો વધારાનો પુરવઠો છે. કેરએજ રેટિંગ્સના મે મહિનાના અહેવાલ મુજબ ભારતની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20 અબજ લિટરથી વધુ થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તેમાં વધુ 4 અબજ લિટરનો વધારો થવાની પણ શક્યતા છે. સરકારના E20 ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે અંદાજે 11 અબજ લિટર ઇથેનોલનો ઉપયોગ થાય છે. જ્યારે બ્રુઅરી, ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ઉદ્યોગો મળીને લગભગ 3થી 3.5 અબજ લિટર ઇથેનોલનો વપરાશ કરે છે. આમ છતાં દેશમાં આશરે 7 અબજ લિટર જેટલી ઉત્પાદન ક્ષમતા હજુ પણ ઉપયોગમાં લેવાતી નથી.