રાજકોટ શહેરની રાજનીતિમાં ફરી એકવાર ચકચાર મચી છે. વોર્ડ નં-15માંથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર લાખા મોરવાડીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. લાખા મોરવાડીયાએ ફોર્મ પરત ખેંચ્યા બાદ ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નં-15માં આ નિર્ણય રાજકીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ, કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ આ સમગ્ર રાજકીય ખેલ પાછળ ભૂમિકા ભજવી હોવાની ચર્ચા છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. AAPના ઉમેદવાર દ્વારા મેદાન છોડાતા હવે વોર્ડ નં-15માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ભાજપ આ બેઠક જીતવા માટે જોરદાર તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ, કોંગ્રેસ તરફથી વશરામ સાગઠીયા મેદાને છે, જેને હરાવવા ભાજપ સંપૂર્ણ શક્તિ સાથે ઉતરશે. આ કારણે આવનારા દિવસોમાં વોર્ડ નં-15ની ચૂંટણી ખૂબ જ રોમાંચક બનવાની સંભાવના છે.