અંબાજી-દાંતા પંથકમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અંબાજી-દાંતા માર્ગ પર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા અરાવલીની ડુંગરમાળાઓ વાદળો સાથે સંતાકુકડી રમતી હોય તેવા અદભૂત દૃશ્યો જોવા મળ્યા હતા. પહાડી વિસ્તારોમાં વાદળો અને ધુમ્મસના કારણે જાણે હિમાલયની પર્વતમાળા જેવા નજારા સર્જાયા હતા. રસ્તા પર ધુમ્મસની ગાઢ ચાદર છવાતા વાહનચાલકોએ દિવસે પણ વાહનની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. ત્રિસુલિયા ઘાટ સહિત સમગ્ર અંબાજી-દાંતા પંથકના ડુંગરો ધુમ્મસ અને વાદળોથી ઢંકાઈ ગયા હતા. હળવા વરસાદી છાંટા વચ્ચે ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી હોય મનમોહક દૃશ્યો સર્જાયા.આ ઉપરાંત માઉન્ટ આબુ જેવી ઠંડકની અનુભૂતિ થઈ હતી.