ગીરનું જંગલ હવે જાણે સિંહો માટે નાનું પડી રહ્યું હોય એમ એશિયાટિક સિંહો હવે માનવ વસાહતની વધુ નજીક આવી રહ્યા છે. ગીર ગઢડા શહેર જાણે સિંહોનું બીજું ઘર બની ગયું હોય એવાં દ્રશ્યો રોજબરોજ સામે આવી રહ્યાં છે. રાત્રે શહેરના ધમધમતા એસટી બસ સ્ટેશન નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ 11 સિંહનું આખું જૂથ લટાર મારવા નીકળતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.ગીર ગઢડાના ઘનશ્યામનગરમાં સિંહણ અને સિંહબાળ સહિત 11 સિંહનું ટોળું બિનધાસ્તપણે ફરી રહ્યું હતું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે ગીર ગઢડા અને એના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો ગીર જંગલને અડીને આવેલા છે, જેના કારણે આ વિસ્તાર સિંહોની અવરજવર માટે જાણીતો બન્યો છે. છેલ્લા બે દિવસથી ગીર ગઢડાના અલગ-અલગ સોસાયટી વિસ્તારો સિંહોની હાજરીથી ધમધમી રહ્યા છે અને લોકો ભારે ફફડાટમાં છે.