હવે વાત એક એવા પાકની. જે ખેડૂતોની આવક વધારી શકે, પાણીની ચિંતા ઘટાડી શકે અને તેલની ગુણવત્તામાં પણ મોટો ફેરફાર લાવી શકે! જૂનાગઢથી સામે આવ્યું છે મગફળી સંશોધનનું આ ચોંકાવનારું પરિણામ. જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે. મગફળી તો એ જ પણ હવે તેની તાકાત બદલાઈ ગઈ! જૂનાગઢના વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે ‘ગિરનાર-4’ અને ‘ગિરનાર-5’ નામની બે જાત.. જે ઓછા પાણીમાં વધુ ઉત્પાદન અને તેલમાં 80 ટકા સુધી ઓલેઈક એસિડ પૂરુ પાડે છે..! વૈજ્ઞાનિકોએ વિકસાવેલી આ બંને જાતો ખેતીનું ગણિત બદલી શકે છે. હેક્ટર દીઠ 35થી 45 મણ સુધીનું ઉત્પાદન, ઓછા પાણીમાં પણ સારો પાક અને રોગ-જીવાત સામે વધુ પ્રતિકાર સાથે પશુઓ માટે પૌષ્ટિક લીલો ચારો પણ વધુ મળશે. પરંતુ આ સંશોધનની સૌથી મોટી ખાસિયત છે તેનું તેલ. જેમાં ઓલેઈક એસિડનું પ્રમાણ 60થી વધીને 80 ટકા સુધી પહોંચ્યું છે. વિવિધ સેમિનાર દ્વારા ખેડૂતોને બિયારણ, ઉત્પાદન પદ્ધતિઓ, પાક સંરક્ષણ પદ્ધતિઓ વિશે પણ શિખવાડવામાં પણ આવે છે.. જે ખેડૂતો માટે પણ ખૂબ જ લાભદાયી નિવડશે.. વૈજ્ઞાનિકોનું આ સંશોધન અને તેનો લાભ સીધુ ખેતર સુધી પહોંચશે તેવી શક્યતાઓ વચ્ચે ખેડૂતોને આ નવી જાતોમાં ઉત્પાદન, પાણીની બચત અને આવકની સંભાવના દેખાઈ રહી છે.