વડોદરામાં દસ દિવસ સુધી પૂજા-અર્ચના અને ભક્તિભાવ સાથે ગણેશોત્સવની ઉજવણી કર્યા બાદ હવે ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવી રહી છે. બાપ્પાની વિદાયના પ્રસંગે ભાવિકોમાં એક તરફ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ગણેશજીને વિદાય આપવાનો વિરહ પણ અનુભવાઈ રહ્યો છે. શહેરમાં ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે કુલ 11 સ્થળોએ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઈલોરા પાર્ક વિસ્તારમાં ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. આ માટે ઈકો-ફ્રેન્ડલી કુંડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ફિલ્ટરેશન પ્લાન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદ્ધતિથી ગણેશ વિસર્જન દરમિયાન પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શ્રીજીને અર્પણ કરવામાં આવેલા ફૂલોનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. વિસર્જન બાદ એકત્રિત કરવામાં આવતા ફૂલોમાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે, જેથી પૂજામાં વપરાયેલી સામગ્રીનો પુનઃઉપયોગ થઈ શકે. વડોદરામાં આ વર્ષે લગભગ 3,500થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થવાનું છે, જેને લઈને તંત્ર અને વિવિધ મંડળો દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે.