સૌથી મહત્વની વાત એ છે કે રામ મંદિર પર જે ધજા લહેરાવાની છે તે અમદાવાદથી મોકલવામાં આવશે. જી હા મંદિર માટે મુખ્ય ધ્વજ દંડ અને અલગ અલગ 6 નાના દંડ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યા છે. રામ મંદિર પર 4 કિલોની 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા ફરકવાની છે જેનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ ધજાને રેશમી કાપડમાંથી બનાવવામાં આવી છે. અને 3 લેયરવાળી ધજા બનાવાઈ છે. ધ્વજની બંન્ને તરફ ઓમ, સૂર્યદેવ અને કોવિદાર વૃક્ષનું ચિન્હ હશે જે ધજાના ધાર્મિક મહત્વમાં વધારો કરે છે. આ ધ્વજદંડ અને ધજાને અમદાવાદના ભરત મેવાડાએ બનાવી છે અને ધ્વજદંડ તૈયાર કરનાર ભરત મેવાડા યજમાન તરીકે પૂજામાં પણ જોડાવાના છે. મહત્વનું છે કે અમદાવાદનાં અંબિકા ઇન્જીનિયરિંગ વર્ક્સે રામ મંદિર માટે 2 કરોડના ખર્ચે 20 હજાર કિલો પિત્તળનો ઉપયોગ કરી વિવિધ સામગ્રી બનાવી છે. પિત્તળથી 1 મુખ્ય ધ્વજ દંડ તેમજ 6 નાના ધ્વજ દંડ ઉપરાંત દાન પેટીઓ, દરવાજાના નકુચા, કડા અને અખંડ દીવો બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર વસ્તુઓ અમદાવાદમાં જ તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવી હતી.