બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરીએ એવું કામ કરી બતાવ્યું છે કે આજે તે સમગ્ર દેશ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. ઉંમર નાની, પરંતુ હિંમત અને સંકલ્પ અદભુત. દેશના પૂર્વી છેડે આવેલા અરૂણાચલ પ્રદેશથી લઈને ગુજરાતના મુન્દ્રા સુધી 4 હજાર 554 કિલોમીટરની સાયકલ યાત્રા કરીને નિક્ષા બારોટે ‘પેડલ ટુ પ્લાન્ટ' થીમ સાથે પર્યાવરણ સંરક્ષણનો મજબૂત સંદેશ આપ્યો છે. 60થી વધુ દિવસોમાં 7 રાજ્યોના 100થી વધુ શહેરોમાંથી પસાર થઈ આ યાત્રા ગુજરાતના મુન્દ્રા સુધી પહોંચી હતી. સાયકલ યાત્રામાં નિક્ષાની સાથે 4 અનુભવી સાયકલિસ્ટ પણ જોડાયા હતા. અને આ સમગ્ર અભિયાન દરમિયાન 1 લાખથી વધુ છોડનું રોપણ થયું જે પર્યાવરણ માટે આશાની નવી કિરણ બની રહ્યું છે. આ અભિયાનને વધુ પ્રેરણાદાયક બનાવવા વડોદરાની એવરેસ્ટ વિજેતા અને ભારતથી લંડન સુધી સાયકલ યાત્રા કરનાર નિશા કુમારી પણ જોડાયા હતા.