કોરોનામાં કારગત રેમડિસીવીર ઈન્જેકશનની ગુજરાતમાં તીવ્ર અછત

ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા જરૂરીયાતવાળા દર્દીઓને પણ, સરકારી હોસ્પિટલોમાંથી ઈન્જેકશન remedisivir injection આપવામાં આવતા હતા. હવેથી આ ઈન્જેકશન ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને અપાતા બંધ કરાયા છે.

  • Bipin Prajapati
  • Published On - 11:00 AM, 10 Apr 2021

ગુજરાતમાં કોરોનાના કેસ રોજબરોજ અતીમાત્રામાં વધી રહ્યા છે. રાજ્યના નાના મોટા શહેરોમાં પહોચી ચૂકેલા કોરોનાને કારણે સરકારે કરેલ વ્યવસ્થા ઓછી પડી રહી છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા સમયે કોરોના મહામારીમાં કારગત ગણાતા રેમડીસીવીર ઈન્જેકશન remedisivir injection અપ્રાપ્ય બન્યા છે.

હોસ્પિટલ કે તબીબોની દેખરેખ હેઠળ ઘરે કોરોનાની સારવાર લઈ રહેલા કોરોનાના થોડાઘણા ગંભીર દર્દીઓને રેમડિસીવીર ઈન્જેક્શનનો કોર્ષ કરવાનો હોય છે. આવા દર્દીઓની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે. ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને રેમડિસીવીર ઈન્જેકશન આપવા માટે વ્યવસ્થા કરી છે. પણ અત્યાર સુધીમાં જે બહારના દર્દીઓને પણ રેમડિસીવીર ઈન્જેકશન આપવામાં આવતા હતા તે બંધ કરી દેવાતા, જરૂરીયાત વાળા દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.

સુરતમાં તો જિલ્લા કલેકટરે જાહેર કરવુ પડ્યુ છે કે, હવે ઈન્જેકશનનો જે કોઈ જથ્થો છે તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અનામત છે. અત્યાર સુધી સુરતમાં સરકારી હોસ્પિટલોમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય તેવા જરૂરીયાતવાળા દર્દીઓને પણ ઈન્જેકશન આપવામાં આવતા હતા. હવેથી આ ઈન્જેકશન આપવામાં નહી આવે.

આવી જ સ્થિતિ અમદાવાદ, વડોદરા, રાજકોટ સહીત નાના મોટા શહેરોની છે. રેમડિસીવીર ઈન્જેકશનનું ઉત્પાદન કરતી ઝાયડસ કંપની પણ અત્યાર સુધી પોતાની હોસ્પિટલેથી જરૂરીયાતવાળા દર્દીઓને અન્ય કંપનીઓ કરતા સસ્તા રેમડિસીવીર ઈન્જેકશન વહેલા તે પહેલાના ધોરણે પૂરા પાડતી હતી. પરંતુ આજથી આ હોસ્પિટલે પણ બહારના કોઈને રેમડિસીવીર ઈન્જેકશન આપવાનો ઈન્કાર કર્યો છે.