MONEY9: મોંઘવારી (INFLATION)નો સૂરજ બરોબર તપી રહ્યો છે. કપડાં ધોવાના પાઉડરથી લઈને નહાવાનો સાબુ, પેટ્રોલથી લઈને ડીઝલ, લોટથી લઈને તેલ, દૂધથી લઈને માખણ અને ઈન્ટરનેટથી લઈને મોબાઈલના બિલ વગેરેમાં ઘૂસેલી મોંઘવારી હવે પહોંચી છે વીમા (INSURANCE) માર્કેટમાં. આમ આદમી તો પહેલેથી જ મોંઘવારીના આકરા તાપમાં શેકાઈ રહ્યો હતો અને હવે વીમાના ભાવ જોઈને તેનો પરસેવો છૂટી રહ્યો છે. વીમા એજન્ટ હવે પૉલિસીધારકો પાસે પૉલિસી રિન્યૂ કરાવવા માટે ગયા વર્ષ કરતાં વધુ પૈસા માંગી રહ્યાં છે. આમ, જીવન જીવવાનો ખર્ચો તો વધ્યો જ છે, સાથે સાથે જીવનને જોખમથી સુરક્ષિત રાખવાનો ખર્ચ પણ વધી ગયો છે.
LICના એક વરિષ્ઠ અધિકારી કહે છે કે, છેલ્લાં બે વર્ષમાં જીવન વીમો 30 ટકા મોંઘો થઈ ગયો છે અને તેના ભાવ હજુ વધવાનો તખ્તો પણ ગોઠવાઈ રહ્યો છે. એટલું જ નહીં, આરોગ્ય વીમો અને કાર વીમો પણ સરેરાશ 10થી 15 ટકા મોંઘો થયો છે. વીમો મોંઘો થવા પાછળ પણ કાળમુખા કોરોનાનો જ હાથ છે. કોરોના પછી વીમા માર્કેટના બધા સમીકરણ બદલાઈ ગયા છે, કારણ કે, કોરોના પહેલાં કંપનીઓને ક્યારેય આટલી મોટી સંખ્યામાં ક્લેમ નથી મળ્યા અને ગ્રાહકો પણ વીમાને લઈને આટલા બધા જાગરૂક નહોતા.
આપણે આરોગ્ય વીમાનો જ દાખલો લઈએ. જનરલ ઈન્સ્યૉરન્સ કાઉન્સિલના અહેવાલ પ્રમાણે, નાણાકીય વર્ષ 2020-21માં વીમા કંપનીઓએ આરોગ્ય દાવાઓ માટે કુલ 7,900 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. પછી આવ્યો કોરોના, એટલે દાવામાં જંગી વધારો થયો અને વર્ષ 2021-22માં ચૂકવણીનો આંકડો થઈ ગયો 25,000 કરોડ રૂપિયાને પાર. એટલે કે, ચૂકવણીમાં 300 ટકાનો વધારો થયો.
વીમાના ક્લેમમાં ભારે વૃદ્ધિ થઈ, એટલે રિ-ઈન્સ્યૉરન્સના દર 40 ટકા સુધી વધી ગયા. રિ-ઈન્સ્યૉરન્સ એટલે જ્યારે કોઈ વીમા કંપની પોતાની સુરક્ષા માટે અન્ય કંપની પાસેથી વીમો ખરીદે, તો તેને રિ-ઈન્સ્યૉરન્સ કહે છે. જેવી રીતે, બેન્કોની બેન્ક રિઝર્વ બેન્ક છે, એવી જ રીતે વીમા કંપનીઓનો વીમો ઉતારે તેને રિ-ઈન્સ્યૉરન્સ કંપની કહે છે.
હવે સીધી વાત છે કે, વીમા કંપનીઓનું પ્રીમિયમ વધ્યું, એટલે તે આ બોજ ગ્રાહકો પર તો નાખવાની જ છે. જોકે, જનરલ ઈન્સ્યૉરન્સ કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા જનરલ ઈન્સ્યૉરન્સ કાઉન્સિલના મહાસચિવ એમ.એન. શર્મા કહે છે કે, કોરોના કાળમાં અઢળક ક્લેમની ચૂકવણી કરવી પડી હોવાથી હેલ્થ ઈન્સ્યૉરન્સ કંપનીઓ દબાણમાં છે. નિયમ પ્રમાણે તો, હેલ્થ ઈન્સ્યૉરન્સ કંપનીઓ ત્રણ વર્ષે પ્રીમિયમ વધારી શકે છે. પરંતુ તેના માટે વીમા નિયમનકાર ઈરડા પાસેથી મંજૂરી લેવી જરૂરી છે.
વધી ગયેલા ક્લેમ અને વધી ગયેલી ચૂકવણીથી પરેશાન કંપનીઓએ રાહત મેળવવા માટે ઈરડા પાસે અવારનવાર પ્રીમિયમમાં વધારો કરવાની માંગણી કરી છે, પરંતુ કોરોનાકાળમાં પણ સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં કોઈ વધારો થયો નથી. દર વખતે ઈરડાએ આ અંગેનો નિર્ણય પાછો ઠેલ્યો છે. અત્યારે પણ આ મુદ્દો ઈરડાની વિચારણા હેઠળ છે, એટલે કહેવું મુશ્કેલ છે કે, સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં કેટલો વધારો થશે.
એમ.એન. શર્મા કહે છે કે, ગાડીનું થર્ડ-પાર્ટી ઈન્સ્યૉરન્સ પણ છેલ્લાં ત્રણ વર્ષથી વધ્યું નથી. કંપનીઓની માંગણી પછી માર્ગ અને પરિવહન મંત્રાલયે સૂચનો મંગાવ્યા છે અને અંદાજ છે કે, થર્ડ પાર્ટી ઈન્સ્યૉરન્સના પ્રીમિયમમાં એકથી બે ટકા વધારો થઈ શકે છે.
શર્માજીની વાત માની લઈએ તો, કંપનીઓએ ભાવ હજુ વધાર્યા જ નથી! એટલે કે, મંજૂરી મળ્યા પછી કંપનીઓ દ્વારા જાહેર થનારી સત્તાવાર મોંઘવારી તો હજુ આવવાની જ બાકી છે. તો પછી છાના પગલે જે મોંઘવારી આવી છે તેની પાછળ તો પૉલિસીની ગણતરીમાં થયેલો ફેરફાર જવાબદાર છે. પૉલિસીના ગણિતમાં ફેરફાર એટલે કે, તમારી ઉંમરમાં થયેલો વધારો, વજનમાં થયેલો વધારો, સિગારેટ કે દારૂનું વ્યસન વગેરેની પ્રીમિયમ પર પડતી અસર.
જીવન વીમા માર્કેટ પર તાજેતરમાં જ એસબીઆઈ રિસર્ચે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે, ભારતમાં વીમાનો વ્યાપ ઘણી ધીમી ગતિએ વધી રહ્યો છે. 2001-02માં ભારતમાં વીમાનો વ્યાપ વધવાનો વૃદ્ધિદર 2.72 ટકા હતો, જે 2020-21માં માંડ-માંડ 4.20 ટકાએ પહોંચ્યો છે.
ભારતનાં માત્ર 30 ટકા લોકોએ જીવન વીમો ઉતરાવ્યો છે. આમ તો કોરોના પછી આ વીમો ખરીદનારા લોકો વધ્યા છે. માર્ચમાં જીવન વીમા કંપનીઓનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 37 ટકા વધીને 59,608 કરોડ રૂપિયા થયું હતું. રિપોર્ટમાં એવી ભલામણ કરવામાં આવી છે કે, વીમાનો વ્યાપ વધારવા માટે સરકારે ટર્મ પ્લાન અને હેલ્થ ઈન્સ્યૉરન્સ પ્લાન પર લાગતો જીએસટી ઘટાડીને શૂન્ય અથવા પાંચ ટકા કરવો જોઈએ. અત્યારે વીમો ખરીદો તો 18 ટકા જીએસટી ચૂકવવો પડે છે. હવે, જોવાનું રહ્યું કે, સરકાર કંપનીઓની ભાવ-વધારાની માંગણી સ્વીકારે છે કે, જીએસટીના દર ઘટાડવાની ભલામણ.