હવે ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા નહી, અમદાવાદમાં 77 ટકા બેડ ભરાઈ ગયા

અમદાવાદમાં છેલ્લા સાત દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના (Corona) દર્દીઓ માટે 855 બેડ વધારવામાં આવ્યા છે. જેની સામે સાત દિવસમાં કોરોનાના 1356 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે.

  • Bipin Prajapati
  • Published On - 10:32 AM, 6 Apr 2021
હવે ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા નહી, અમદાવાદમાં 77 ટકા બેડ ભરાઈ ગયા
ખાનગી હોસ્પિટલોમાં 77 ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા

અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોનાની ( Corona ) સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. સરકારી હોસ્પિટલો બાદ હવે ખાનગી હોસ્પિટલોમાં ( Private hospital ) પણ કોરોનાના દર્દીઓને જગ્યા મળે તેવી સ્થિતિ નથી. અમદાવાદ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલ, કે જેમાં કોવિડ19ના દર્દીઓને સારવાર આપવા માટે સત્તાવાર રીતે જાહેર કરાઈ હોય તેવી હોસ્પિટલોના ખાટલા કોરોનાના દર્દીઓથી ભરાઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા સાત જ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અતિ ઝડપે વધી છે. અમદાવાદ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ( Private hospital ) છેલ્લા સાત દિવસમાં 1356 દર્દીઓ દાખલ થયા છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કોવીડ19ના ( Covid 19 ) દર્દીઓને સમાવવા માટેની જેટલી ક્ષમતા છે તેમાથી કુલ 77 ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે. હવે માત્ર 23 ટકા જ બેડ બાકી રહ્યાં છે.

અમદાવાદમાં આવેલી અને કોવિડ19 ( Covid 19 ) હોસ્પિટલ તરીકે જાહેર કરેલ હોસ્પિટલોમાં ( Private hospital, ) આઈસીયુ (ICU) બેડ 83 ટકા કોરોનાના ગંભીર ર્દદીઓથી ભરાઈ ગયા છે. ICUમાં હવે કુલ માત્ર 17 ટકા જ બેડ ખાલી રહેવા પામ્યા છે.

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઈને વહીવટીતંત્રે ખાનગી હોસ્પિટલોને કોવિડ19ના ( Covid 19 ) દર્દીઓને સારવાર કરવાની જરૂરી પરવાનગી આપીને, સાત દિવસમાં 2967 બેડથી સંખ્યા વધારીને 3822 કરાઈ છે. આમ છતા શહેરમાં કોરોનાના દર્દીઓ માટે વધારેલા બેડની સંખ્યા ઓછી જણાઈ આવે છે. છેલ્લા સાત દિવસમાં 855 જેટલા બેડની સંખ્યા વધારવા છતા, સરકારી બાદ હવે ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થયા છે.