MONEY9: વૃદ્ધિની આશ, ગામડા પર દારોમદાર

કોરોનાની મહામારીના આંચકાથી ઉગરવાની આશા હવે ગામડા પર ટકી છે. કંપનીઓ આશા રાખીને બેઠી છે કે માંગનું ચક્કર હવે ગામડામાં રહેતા 80 કરોડ ગ્રાહકોના સહારે જ ફરશે.

Money9 Gujarati

| Edited By: Kunjan Shukal

May 11, 2022 | 10:42 PM

કોરોના (CORONA)ની મહામારીના આંચકાથી ઉગરવાની આશા હવે ગામડા પર ટકી છે. કંપનીઓ આશા રાખીને બેઠી છે કે માંગ (DEMAND)નું ચક્કર હવે ગામડામાં રહેતા 80 કરોડ ગ્રાહકો (RURAL MARKET)ના સહારે જ ફરશે. દેશની કુલ આવકમાં 50 ટકાનો ફાળો ગામડાઓનો જ છે અને અહીં આવક વધે કે ઘટે તો તેની સીધી અસર એફએમસીજી, ઑટો જેવા ઉદ્યોગો પર જોવા મળે છે. ઘણી APMCમાંથી સમાચાર આવી રહ્યા છે કે ચાલુ વર્ષે ઘઉં પકવતા ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઉચાં ભાવ મળી રહ્યા છે. એટલે કે ગામડામાં રહેતા ગ્રાહકોના હાથમાં વધારે પૈસા આવી રહ્યા છે. આ પૈસા બજારમાં પહોંચશે તો કોવિડથી ત્રસ્ત કંપનીઓની બેલેન્સશીટને વિટામિન મળશે.

એપ્રિલમાં વેચાયેલા ટ્રેકટર અને ટૂ-વ્હીલરના આંકડા નવી આશા જગાવી રહ્યા છે. એપ્રિલમાં ટ્રેક્ટર કંપનીઓનું વેચાણ 20થી 51 ટકા સુધી વધ્યું છે. જ્યારે ટૂ-વ્હીલરના વેચાણમાં પણ 10થી 37 ટકાનો વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે દેશમાં વેચાતા દર 10માંથી 6 ટુ-વ્હીલર ગામડામાં જ વેચાય છે. અક્ષય તૃતીયાના પ્રસંગે બુલિયન બજારમાં જોવા મળેલો સુધારો આ જ કડીનો હિસ્સો છે. આ વર્ષે અખાત્રીજે લગભગ 15 હજાર કરોડના કારોબાર થયા છે. જે કોવિડથી પહેલા 2019માં થયેલા 10 હજાર કરોડના વેપારથી વધારે છે. જો કે બુલિયન બજારની સારી તસવીર ઉનાળાની સીઝનમાં આવતા લગ્નપ્રસંગોમાં જોવા મળશે.

જો મોંઘવારી ડંખ ન મારે તો ગ્રામીણ ભારતમાં ખરેખર કેટલી આવક વધી અને તેમાંથી કેટલી બજાર સુધી પહોંચી તેનો અંદાજ તેલ, સાબુ, ટૂથપેસ્ટ, બિસ્કિટ વેચતી કંપનીઓના વેચાણના આંકડાઓ પરથી આવશે. શહેરોમાં લૉકડાઉન ખુલતા આર્થિક પ્રવૃતિઓ પાટા પર ચડી છે અને હવે પ્રવાસી મજૂરો પાછા ફરવા લાગ્યા છે. મનરેગાના લેટેસ્ટ આંકડા પરથી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. મનરેગા હેઠળ રોજગારની માંગમાં એપ્રિલ દરમિયાન 11 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે એપ્રિલમાં કુલ 2.32 કરોડ લોકોએ મનરેગામાં કામ માંગ્યું. જ્યારે ગત વર્ષે એપ્રિલમાં આ આંકડો 2.61 કરોડ હતો. ગામડામાંથી મળી રહેલા આ મીઠા સમાચારો વચ્ચે કંઈક તીખુ પણ છે અને વાત તેની પણ કરવી જરૂરી છે. કારણ કે કોવિડ પછી સુધારો તો થયો છે, પરંતુ હજુ પણ અવરોધો ઘણાં છે.

ચિંતા 1:

પહેલી વાત કરીએ હવામાનની. માર્ચમાં વરસાદની કમી અને ગરમી વધવાના કારણે ચાલુ વર્ષે ઘઉંના ઉત્પાદનને અસર થવાની શક્યતા છે. એટલે કે ભાવ સારો મળ્યો પણ ઉત્પાદન ઘટયું તો કમાણી ત્યાંની ત્યાં જ રહી જશે.

ચિંતા 2:

બીજી ચિંતા મોંઘવારીની છે. કમાણી વધવા છતાં લોકો ખર્ચ કરવા નીકળે પણ ક્યાંક મોંઘવારી તેમના ખર્ચા પર કાપ ન મૂકી દે. મોંઘવારી કેટલી મોટી ચિંતા છે તે તો હજુ ગયા બુધવારે જ આરબીઆઈએ જણાવી દીધું છે અને ફક્ત બતાવ્યું જ નથી તેને કાબૂમાં કરવા માટે મોંઘા વ્યાજદરનું બ્રહ્માસ્ત્ર ચલાવી દીધું.

ચિંતા 3:

જે ત્રીજી સૌથી મોટી ચિંતા છે. ફાડાના પ્રેસિડેન્ટ વિંકેશ ગુલાટી કહે છે કે ટુ વ્હીલર માર્કેટ મોંઘી લોનનો ઝટકો સહન કરવાની સ્થિતિમાં નથી. ભાવ વધારો અને અને ઈંધણ મોંઘુ થવાના કારણે ટુ વ્હીલર માર્કેટ પહેલેથી જ નબળો દેખાવ કરી રહ્યું છે. ત્યારે વાત એ છે કે ગામડાઓના સહારે મંદીમાંથી પાછા ફરવાની વાતમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ છે. કંપનીઓના ડિલર્સથી લઈને શેર બજારના રોકાણકારો સુધી બધા જ, બજારના સુધરવાની આશા રાખીને બેઠા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati