MONEY9: RBIને કેમ નથી પસંદ Digital Bankનો Idea?

ભારતના વિકસતા પેમેન્ટ અને ફિનટેક સેક્ટરમાં આ ઉથલ-પાથલથી રિઝર્વ બેંક પણ પરેશાન છે. હવે RBI પણ દરેક પગલું વિચારીને ભરી રહી છે ત્યારે હવે આરબીઆઇ અને સરકારની સૌથી મોટી થિંક ટેન્ક નીતિ આયોગ વચ્ચે વિવાદ ઉભા થયા છે.

Money9 Gujarati

| Edited By: Bhavesh Bhatti

May 06, 2022 | 3:34 PM

વાત છે 11 માર્ચ, 2022ની. આ દિવસે RBIના એક આદેશથી ખળભળાટ મચી ગયો હતો. તે દિવસે રિઝર્વ બેન્કે (RBI) ‘Paytm Payment Bank’ને નવા ગ્રાહકો બનાવવાની ના પાડી દીધી અને Paytmની આઈટી સિસ્ટમ્સનું સંપૂર્ણ ઑડિટ થઈ શકે તે માટે તેને એક ઑડિટ કંપનીની નિમણૂક કરવાની પણ સૂચના આપી દીધી. 

હવે, વાત કરીએ બીજી એક કંપની ભારતપે (BharatPe)ની. આ ફિનટેક કંપનીએ વર્ષની શરૂઆતથી જ ચર્ચા જગાવી હતી. કંપનીમાં કૉર્પોરેટ ગવર્નન્સને લઈને સવાલો થયા હતા અને વિવાદ વકરતાં કંપનીના સહ-સ્થાપક અશનીર ગ્રોવરને જ કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. આ આખીયે ઘટનામાં કંપનીની, તેના સ્થાપક ગ્રોવરની, નવા મેનેજમેન્ટની અને સીઈઓની ભારે ફજેતી પણ થઈ. 

હવે, બીજા ઉદાહરણ પર નજર નાખીએ. પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સની માંગણી કરી રહેલા કેટલાક ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર રિઝર્વ બેન્કે ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. આ ગેટવે સામે શંકાની સોય તકાઈ છે અને તેનું કારણ છે KYC સંબંધિત બાબતો અને ક્રિપ્ટોકરન્સી એક્સ્ચેન્જિસ તથા ગેમિંગ એપ્સ સાથે તેમણે ભૂતકાળમાં કરેલા વ્યવહારો. 

આ ત્રણેય ઉદાહરણો થકી આપણને ભારતની પેમેન્ટ્સ બેન્ક અને પેમેન્ટ એગ્રીગેટર્સની સ્થિતિનો સચોટ ચિતાર મળે છે. ભારતમાં પેમેન્ટ અને ફિનટેક સેક્ટર ઝડપભેર વૃદ્ધિ કરી રહ્યું છે, ત્યારે તેમાં થઈ રહેલી આ ઊથલ-પાથલને કારણે રિઝર્વ બેન્ક પણ ચિંતામાં છે. વધુ ઊથલ-પાથલ ન થાય તે માટે RBI હવે છાશ પણ ફૂંકી-ફૂંકીને પીએ છે. વિવાદો વધવાથી રિઝર્વ બેન્ક અને સરકારની સૌથી મોટી થિન્ક ટેન્ક નીતિ આયોગ વચ્ચે પણ ટકરાવ થયો છે. તેમના ટકરાવનું કારણ છે ડિજિટલ બેન્ક લાયસન્સ. 

વાત જાણે એમ છે કે, નીતિ આયોગે નવેમ્બરમાં ડિજિટલ બેન્ક લાયસન્સ અંગે સલાહ-સૂચન મંગાવ્યા હતા. નીતિ આયોગનું કહેવું હતું કે, ફાયનાન્સિયલ ઈન્ક્લુઝન માટે ડિજિટલ બેન્કના પરવાના આપવા જોઈએ. પરંતુ રિઝર્વ બેન્કે અહીં પોતાનો વીટો વાપર્યો. એ પણ ત્યારે જ્યારે રિઝર્વ બેન્કે ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ એટલે કે DBU માટે વિસ્તારપૂર્વકની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. સરકારે પણ આ વર્ષના બજેટમાં 75 જિલ્લામાં 75 DBU ખોલવાનો ટાર્ગેટ મૂક્યો હતો.

હવે, સવાલ એ થાય કે, જો DBU ખોલવા માટે RBI આટલી બધી ઉતાવળી છે, તો પછી ડિજિટલ બેન્કના પરવાના આપવામાં તેને શું વાંધો છે? સવાલ તો 100 ટકાનો છે, હવે તેનો જવાબ શોધીએ. RBIએ પહેલેથી જ સક્રિય તમામ શિડ્યુઅલ્ડ કૉમર્શિયલ બેન્કોને ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ ખોલવાની તરફેણ કરી છે અને તેના માટે ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક, પેમેન્ટ બેન્ક અને લોકલ એરિયા બેન્કને સામેલ કરવામાં નહીં આવે.

હવે વાત કરીએ ડિજિટલ બેન્કની. આ બેન્કને સંપૂર્ણ રીતે અલગ રાખવામાં આવશે  અને નીતિ આયોગે તેના લાયસન્સ ફિનટેક કંપનીઓને આપવાની તરફેણ કરી છે. આ બેન્કોને ડિપોઝિટ લેવાની અને લોન આપવાની પણ મંજૂરી આપવાની વાત છે. છે ને નવાઈની વાત..! RBI અને નીતિ આયોગ, બંનેનો ઈરાદો ફાયનાન્સિયલ ઈન્ક્લુઝનનો જ છે, તો પછી જોડો ક્યાં ડંખે છે ? તો RBIને જે વાંધો પડ્યો છે તેની પાછળ કેટલાક ખાસ કારણો છે. અને તેના માટે રિઝર્વ બેન્ક પાસે ભૂતકાળનો અનુભવ અને નક્કર તર્ક પણ છે. 

પહેલું કારણ છે, આ માર્કેટને વેર-વિખેર નહીં કરવાની રિઝર્વ બેન્કની ઈચ્છા. RBIને એવું લાગે છે કે, તેના ”ફિટ એન્ડ પ્રોપર” ધારાધોરણોમાં ખરા ઉતરવામાં નવી બેન્કોના પ્રમોટર્સે મુશ્કેલીનો સામનો કરવો પડશે. બેન્કનું લાયસન્સ લેવું એટલું સરળ નથી. તેના નિયમોનું પાલન કરવામાં પ્રમોટર્સને ઘણી મુશ્કેલી પડી શકે છે. રિઝર્વ બેન્કે 7 વર્ષ પહેલાં પેમેન્ટ્સ બેન્કના 11 લાયસન્સ ઈશ્યૂ કર્યા હતા. ત્યારે તો ચારેકોરથી વાહવાહી થઈ હતી, પણ વખાણોની હવાથી ફુલાયેલો આ ફુગ્ગો અત્યારે ફુસ્સ થઈ ગયો છે. લાયસન્સ મેળવનારી 11માંથી માત્ર 6 પેમેન્ટ બેન્ક બચી છે, પાંચ બેન્કે કામકાજ સંકેલી લીધું છે. આથી, ડિજિટલ બેન્કના મોરચે પણ આવા દિવસો જોવા ન પડે તેવી RBIની ઈચ્છા છે. 

ઓછામાં પૂરું, સ્મૉલ ફાયનાન્સ બેન્ક એટલે કે, SFBના મોરચે પણ RBIને કડવો અનુભવ થયો છે. રિઝર્વ બેન્કને લાગે છે કે, વ્યાપક જનસમુદાયને સાંકળવામાં SFB નિષ્ફળ રહી છે. આંકડા સાક્ષી પુરાવે છે કે, સ્મૉલ ફાયનાન્સ બેન્કોની 50 ટકા જેટલી શાખાઓ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારો પૂરતી જ સીમિત છે.  આમ, ફાયનાનાન્સિયલ ઈન્ક્લુઝનની વાતનું સૂરસૂરિયું થઈ જાય છે. 

ભારતપે (BharatPe)ના કિસ્સામાં તાજેતરમાં જે ઘટનાક્રમ થયો, તેને લઈને પણ રિઝર્વ બેન્ક ચિંતિત છે. તેને લાગે છે કે, આર્થિક સાહસોનું સુકાન સંભાળવામાં પ્રમોટર કાચા પડે છે, તેઓ દિશા ભૂલી જાય છે, પાછું તેમાં કૉર્પોરેટ ગવર્નન્સના પ્રશ્નો પણ ઊભા થાય છે અને રિઝર્વ બેન્કને આવા પ્રશ્નો પસંદ નથી. રિઝર્વ બેન્કને પાછી એ વાતની પણ બીક છે કે, ઈન્વેસ્ટર્સ બેન્કિંગ લાયસન્સનો ઉપયોગ કરીને ટાટા, બાય-બાય પણ કહી શકે છે. તેઓ ખિસ્સા ભરીને ઉચાળા ભરી શકે છે. આ જ કારણસર, ડિજિટલ બેન્કના લાયસન્સ આપવા માટે રિઝર્વ બેન્ક નનૈયો ભણી રહી છે. 

હવે, રિઝર્વ બેન્ક ટસની મસ થવા તૈયાર નથી અને લાયસન્સ આપવાની વિરુદ્ધમાં છે, એટલે ડિજિટલ બેન્કના પરવાના મળવાની કાગડોળે રાહ જોઈ રહેલી રેઝરપે, જુપિટર, નિયો, ફાઈ અને ઓપન જેવી નિયો બેન્કોની આશા પર પાણી ફરી વળશે તેવું લાગે છે. હવે જોવાનું એ રહ્યું કે, ડિજિટલ બેન્કિંગ ક્રાંતિ માટે સરકાર અને રિઝર્વ બેન્ક કઈ દિશામાં આગળ વધે છે. કારણ કે, આખીયે ક્રાંતિનો મદાર તેમના નિર્ણયો પર રહેલો છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati