Israel Air strike: ઈઝરાયેલ-હમાસ વચ્ચે ભીષણ જંગનાં એંધાણ, ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં 12 માળની મિડિયા હાઉસની બિલ્ડિંગ ઘરાશાયી, જુઓ વિડિયો

Israel Air strike: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે હવે આરપારની લડાઈ જોવા મળી રહી છે. ઈઝરાયલે હમાસના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે તો બીજીબાજુ મોતના આંકડા પણ વધતા જઈ રહ્યા છે.

Pinak Shukla

|

May 15, 2021 | 8:52 PM

Israel Air strike: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે હવે આરપારની લડાઈ જોવા મળી રહી છે. ઈઝરાયલે હમાસના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે તો બીજીબાજુ મોતના આંકડા પણ વધતા જઈ રહ્યા છે. બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ થાય તે માટેના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે તો ઈઝરાયલ પણ ઝૂકવા માટે તૈયાર નથી ત્યારે મહાયુદ્ધ તરફ આગળ વધતા આ બંને દેશને પગલે ચિંતા વધી છે.

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન આતંકી સંગઠન હમાસ વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે જેમાં ઈઝરાયલે અત્યાર સુધીમાં સૌથી મોટો પ્રહાર ગાઝા પટ્ટી પર કર્યો છે. ઇઝરાયલી વાયુસેનાએ હમાસના આંતરિક સુરક્ષા મથક અને ઓર્ડનન્સ સ્ટોર્સ પર હુમલો કર્યો છે. એરફોર્સના લડાકુ વિમાનોએ હુમલો કર્યો હતો. ઇઝરાઇલે કહ્યું કે ગાઝા સરહદે મોટી સંખ્યામાં સૈનિકો મોકલી દેવાયા છે.

હમાસના શાસિત ક્ષેત્રમાં 9,000 સૈનિકોને સંભવિત જમીન હુમલો માટે તૈયાર રહેવા કહ્યું છે. બંને દુશ્મનો યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે. ઇજિપ્તના મધ્યસ્થીઓ યુદ્ધ વિરામના પ્રયત્નો માટે ઇઝરાઇલ પહોંચ્યા હતા જો કે તેમાં કોઈ પ્રગતિના સંકેત નથી
ઈઝરાયલના હુમલામાં મોતની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે. ગાઝાથી ઈઝરાઈલ પર રોકેટ છોડવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ ઇઝરાયેલી એરફોર્સ 600થી વધુ વખત ગાઝાપટ્ટી અને આસપાસના વિસ્તારોમાં બોમ્બ ફેંકી ચૂક્યા છે. ઈઝરાયલનું વલણ કેટલું આક્રમક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે પોતાનાં ટેન્ક્સ અને આર્મીને જંગમાં ઉતારી દીધાં છે.

હમાસના હુમલાથી છંછેડાયેલું ઈઝરાયલ કેટલું આક્રમક છે તેનો અંદાજો ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના નિવેદન પરથી જ લગાવી શકાય છે. નેતન્યાહૂએ કહ્યું છે કે હમાસે ઘણી જ મોટી ભૂલ કરી દીધી છે. આ ભૂલની તેને ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે. આતંકીઓના ખાતમા પછી જ શાંતિ શક્ય છે.

ઇઝરાયલના સૈન્યએ શુક્રવારે કહ્યું હતું કે ગાઝામાં વાયુ અને ભથલ સેના દ્વારા હુમલો થઈ રહ્યો છે. ગાઝા શહેરની સીમમાં આવેલા વિસ્ફોટોથી આકાશ પણ કાળા ધૂમાડાથી ઢંકાઈ ગયું હતું.  ઈઝરાયલે તો ન્યૂઝ ચેનલ્સની ઓફિસને પણ નથી છોડી. તેણે અલઝઝીરાનાં આખેઆખા બિલ્ડીંગને ઉડાવી મુક્યા. આ માટે તેને ખાલી 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.

ગાઝા પર ઈઝરાયલે એટલી હદે રોકેટ વરસાવ્યા છે કે ગાઝામાં એક આખી ઈમારતને જમીનદોસ્ત કરવામાં આવી.  એકતરફ લોકોનું ટોળું એકઠું થયું છે અને ત્યારે જ રોકેટનો હુમલો થાય છે.  પહેલા તો લોકો ડરી ગયા પરંતુ ત્યારબાદ જે દ્રશ્યો સામે તેણે ભલભલાના હૃદયના ધબકારા તેજ કરી દીધા.આ તરફ ગાઝામાં હુમલો થતા લોકો પલાયન કરી રહ્યા છે. ગાઝા વિસ્તારમાં રહેનારા લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે પલાયન કરી રહ્યા છે કેમકે ઈઝરાયલના રોકેટ ગમે ત્યારે આકાશમાંથી મોત બનીને વરસી શકે છે જેથી આ પરિવાર પલાયન કરી રહ્યું છે.

સોમવારે જ્યારે ઘર્ષણની શરૂઆત થઈ ત્યારથી જ ઈઝરાયલે જબરદસ્ત હુમલાઓ શરૂ કરી દીધા હતા. ગાઝાના આતંકવાદીઓએ ઇઝરાઇલ પર અંદાજે 2 હજાર રોકેટ ચલાવ્યાં તો બીજીબાજુ ઈઝરાયલે પણ રોકેટ હુમલાથી જવાબ આપ્યો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં લગભગ 100થી વધુ પેલેસ્ટાનીઓ માર્યા ગયા હતા
જેમાં 33 બાળકો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે 621 લોકો ઘાયલ થયા છે. હમાસના આતંકવાદી જૂથે 20 લોકોના મોતની પુષ્ટિ કરી છે તો ઇઝરાયલમાં 6 વર્ષના બાળક સહિત 7 લોકોનાં મોત નીપજ્યાં.

યુએસ રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું હતું કે તેમણે લડાઈ સમાપ્ત કરવા માટે નેતન્યાહુ સાથે વાત કરી હતી. બીજીબાજુ ઈજિપ્ત પણ આગળ આવ્યું છે. ઇજિપ્ત ઘણીવાર ઇઝરાઇલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી ચુક્યું છે અને અગાઉના ઘણા યુદ્ધોને સમાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. અધિકારીઓએ પહેલા ગાઝામાં હમાસ નેતાઓ અને ત્યારબાદ તેલ અવીવમાં ઇઝરાયલી નેતાઓ સાથે વાત કરી. તેમજ યુદ્ધ વિરામ માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે.

photo Courtesy by Tweeter

આમ એકતરફ ઈઝરાયલ આક્રમક થઈને હમાસ પર હુમલો કરી રહ્યું છે તો બીજીબાજુ પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે જે જમીનનો વિવાદ છે એ જમીન પર કબજો કરવાની શરૂઆત પણ ઈઝરાયલે કરી દીધી છે અને ઈઝરાયલ ક્યારેય તેના દુશ્મનોને છોડતું નથી માટે હાલ આ બંને દેશ વચ્ચે ખુબજ ભીષણ યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. ઈઝરાયલે તો હમાસનાં 14 જેટલા કમાન્ડરોને ઠાર માર્યા હોવાની વિગતો પણ આપી છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati