MONEY9: મોંઘવારી વધી, પેકેટની સાઇઝ ઘટી

FMCG કંપનીઓને મોંઘવારીની વધારે બીક લાગે છે. જો કંપનીઓ ભાવ વધારે તો માંગ ઘટવાની બીક છે અને ભાવ ના વધારે તો નફો ઘટવાની બીક છે. કંપનીઓએ આ સમસ્યાનો ઉકેલ નાના પેકેટમાં શોધી લીધો છે.

Divyesh Nagar

| Edited By: Pinak Shukla

Jul 06, 2022 | 5:08 PM

MONEY9: જો તાજેતરમાં તમે કોઈ સુપરમાર્કેટ કે કરિયાણાની દુકાને ગયા હશો તો તમને મોટા પેકેટ (PACKETS)ની જગ્યાએ નાના પેકેટ જોવા મળ્યાં હશે. પછી તે બિસ્કિટ (BISCUITS)નું પેકેટ હોય કે સ્નેક્સનું, કે પછી રોજિંદા ઉપયોગમાં લેવાતી અન્ય કોઈ વસ્તુનું. જેમકે, બ્રિટાનિયાના 25 રૂપિયાના નાઈસ ટાઈમ બિસ્કિટના પેકેટની જગ્યા હવે 10 રૂપિયાના પેકેટે લીધી છે. શોપિંગ કરતી વખતે ગ્રાહકોની નજર ભાવ પર પડે છે અને જો વર્ષોથી ઉપયોગમાં લેવાતી કોઈ વસ્તુનું પેકેટ આજે પણ ઓછા ભાવે મળી જાય તો ગ્રાહક ખુશ થઈ જાય છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. વર્તમાન સમયમાં જો તમે આ ચીજવસ્તુઓના પેકેટને ધ્યાનથી જોશો, તો આખી કહાણી સમજાઈ જશે. 

પડદા પાછળનો દુશ્મન 

આ કહાણી છે મોંઘવારીની, જે નરી આંખે દેખાતી નથી, જે પડદા પાછળ છુપાયેલી છે. આ મોંઘવારી છાના-માના પગે આવીને તમારું ખિસ્સું કાતરી લે છે અને તમને તેની કાનોકાન ખબર પણ નથી પડતી. મોંઘવારીનો બોજ વધવાથી નાના પેકેટ અને મોટા પેકેટ બંને પર અસર પડી છે. એટલે કે, બંને પેકેટમાં જે માલ ભરવામાં આવતો હતો તે ઓછો થઈ ગયો છે. 150 ગ્રામનું પેકેટ હવે 140 કે 143 ગ્રામનું થઈ ગયું છે જ્યારે 75 ગ્રામનું પેકેટ હવે ‘છોટુ’ બની ગયું છે એટલે કે 60થી 62 ગ્રામનું થઈ ગયું છે. મોંઘવારીએ એક નવા પેકેટને પણ જન્મ આપ્યો છે અને તેનું નામ છે બ્રિજ પેકેટ. મોટા અને નાના પેકેટની વચ્ચેનું પેકેટ એટલે બ્રિજ પેકેટ. આવી યુક્તિ અજમાવીને કંપનીઓ મોંઘવારીનો બોજ ગ્રાહકો પર નાખી દે છે અને ગ્રાહકોને તેની ગંધ પણ આવતી નથી. 

‘શ્રીન્કફ્લેશન’ એટલે શું?

અર્થશાસ્ત્રની ભાષામાં તેને ‘શ્રીન્કફ્લેશન’ કહે છે અને ભારત અત્યારે તેમાંથી પસાર થઈ રહ્યું છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે, ખાણી-પીણીથી લઈને પરિવહન અને પહેરવા-ઓઢવાના કપડાં સહિતની લગભગ તમામ ચીજવસ્તુઓ અને સેવાઓ મોંઘી થઈ ગઈ છે અને સામાન્ય પરિવારો તોબા પોકારી ગયા છે. માત્ર જનતા જ નહીં, પરંતુ કંપનીઓ પણ મોંઘવારીને કારણે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. કંપનીઓ માટે મોંઘવારી બેધારી તલવાર જેવી છે, કારણ કે, જો ભાવ વધારવા જાય તો માંગ ઘટી જાય અને ભાવ ના વધારે તો નફો ઘટતો જાય. મોંઘવારીનો ગંભીર ફટકો FMCG કંપનીઓને લાગ્યો છે. સાબુ, તેલ, ચા, બિસ્કિટ જેવી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ બનાવતી આ કંપનીઓ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. આ કંપનીઓના પ્રૉફિટ માર્જિન ઘટી રહ્યાં છે. તેમની હાલત કફોડી હોવાનો પુરાવો મળે છે, માર્ચ-2022માં પૂરા થયેલા ક્વાર્ટરમાં. આ ક્વાર્ટરમાં તેમનો વોલ્યૂમ ગ્રોથ 4.1 ટકા ઘટ્યો છે. 

ગામડાં, નાના શહેરોનું મહત્ત્વ

હવે, વાત કરીએ આ કહાણીના એક મજબૂત કેરેક્ટરની એટલે કે, ભારતનાં ગામડાં અને નાના શહેરોની. FMCG કંપનીઓ માટે ભારતનાં ગામડાં કરોડરજ્જુ સમાન છે અને કંપનીઓનો પરસેવો છૂટી જવાનું મુખ્ય કારણ પણ ગામડાં જ છે. મોંઘવારીએ ગ્રામવાસીઓની કમર તોડી નાખી છે અને ગામડાંના પરિવારોનું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે. જો ગામડાંના લોકો રોજ-બરોજની ચીજવસ્તુઓની ખરીદી ઘટાડી દેશે, તો આફતની આંધી અને સમસ્યાઓની સુનામી આવી જશે. ગામડાંમાં વેચાણ ઘટવાનો વિચાર કરે તોપણ FMCG કંપનીઓના રૂંવાટાં ઊભા થઈ જાય છે, અને કેમ ના થાય? કારણ કે, FMCG કંપનીઓનું 25 ટકાથી 55 ટકા વેચાણ આ નાના પેકેટ દ્વારા થાય છે અને આવા પેકેટનું મહત્તમ વેચાણ નાના શહેરો, નગરો અને ગામડાંમાં થાય છે. એટલે જ, ખેડૂતો નહીં પણ કંપનીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહી છે. ચોમાસું સારું જશે તો, ખેડૂતો કરતાં કંપનીઓ વધુ ખુશ થશે કારણ કે, સારા વરસાદથી જ કંપનીઓને મબલખ નફો કમાવવા મળશે. 

મોંઘવારીનો વધતો બોજ

જો મોંઘવારીના આંકડા જોઈએ તો, એપ્રિલમાં રિટેલ મોંઘવારીનો દર 7.79 ટકાના ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. મોંઘવારીનો માર મુનસફી આધારિત ખર્ચ પર પડ્યો છે અને લોકો 10થી 15 ટકા ઓછો ખર્ચ કરે તેવી આશંકા સેવાઈ રહી છે. વધતી મોંઘવારી અને ઘટતી માંગનો બેવડો બોજ અત્યારે તો નાના પેકેટના માથે મૂકવામાં આવ્યો છે અને આ લડાઈ લડવાની આગેવાની નાના પેકેટને સોંપવામાં આવી છે. નાના પેકેટ દ્વારા છાના પગલે તમારા ખિસ્સા ખાલી કરી રહેલી મોંઘવારી તમને નરી આંખે ભલે ન દેખાતી હોય પરંતુ આ જ વાસ્તવિકતા છે.  

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati