MONEY9: ખરીફ પાકના ટેકાના ભાવ વધતાં ખેડૂતો ખુશ પણ ગ્રાહકોના ખિસ્સા ખાલી થશે

રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કરીને મોંઘવારીને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો છે, તો સામે સરકારે અનાજ, તેલીબિયાં અને દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરતાં ખાદ્ય મોંઘવારીમાં હજુ વધારો થવાની શક્યતા પ્રબળ બની છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 16, 2022 | 2:43 PM

MONEY9: માથાનો દુખાવો બનેલી મોંઘવારી (INFLATION)થી પીછો છોડાવવા રિઝર્વ બેન્કના પ્રયાસ વામળા પુરવાર થઈ શકે છે, કારણ કે, ભારતની મધ્યસ્થ બેન્કે 8 જૂને હજુ તો વ્યાજદર વધારીને તમામ પ્રકારનું ઋણ મોંઘું કરવાની જાહેરાત કરી જ હતી ત્યાં તો સરકારે મોંઘવારીમાં વધારો કરવાનો તખ્તો ગોઠવી દીધો. રિઝર્વ બેન્કે 8 જૂને સવારે રેપો રેટ વધાર્યો તેના થોડાક કલાકમાં જ સરકારે ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP)માં વધારો જાહેર કર્યો. સરકારના આ નિર્ણયથી ખેડૂતો હરખાઈ ગયા, પરંતુ તેનો બોજ આખરે તો ગ્રાહકોના માથે જ આવશે ને..! 

સરકારે મકાઈ સિવાયના તમામ પાક માટે ટેકાનો ભાવ 2,000 રૂપિયાની ઉપર પહોંચાડી દીધો છે. ડાંગરનો ટેકાનો ભાવ પણ 100 રૂપિયા વધારવામાં આવ્યો છે. સામાન્ય ડાંગરનો ટેકાનો ભાવ 2,040 રૂપિયા અને A-ગ્રેડ ડાંગરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 2,060 રૂપિયા થઈ ગયો છે. આ ભાવે ડાંગર ખરીદીને પ્રોસેસિંગ થયા પછી જે ચોખા નીકળશે, તે પણ મોંઘા ભાવે જ વેચાશે ને…! સામાન્ય રીતે તો, ડાંગરના પ્રોસેસિંગ પછી 64 ટકા ચોખા નીકળે છે, જો આમાં પ્રોસેસિંગ અને પરિવહનનો ખર્ચ ના ઉમેરીએ તોપણ, ચોખા 32 રૂપિયા કરતાં ઓછા ભાવે મળે તેવું લાગતું નથી. 

દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન વધે અને ખાદ્યતેલની આયાતમાં ઘટાડો થાય તે હેતુસર સરકારે ખરીફ તેલીબિયાંનો ટેકાનો ભાવ પણ 300 રૂપિયાથી વધારીને 523 રૂપિયા કર્યો છે. પરંતુ ખાદ્યતેલના ભાવમાં તો અગાઉથી જ ભડકો થયેલો છે, ત્યાં હવે લઘુત્તમ ટેકાનો ભાવ વધવાથી તેલીબિયાંનું બજાર તો બરાબર તપવાનું છે અને ખાદ્યતેલની મોંઘવારીની આગ વધુ ભભૂકશે, જેથી રસોડાંનું બજેટ ખોરવાઈ જશે. 

અત્યાર સુધી દાળના ભાવમાં શાંતિ રહી હતી, પરંતુ હવે મોંઘવારીનો જમ આ ઘર પણ ભાળી જશે એવું લાગે છે, કારણ કે, દાળનાં ટેકાના ભાવમાં 300 રૂપિયાથી લઈને 480 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આમ, મંડીઓમાં કઠોળ અને દાળ ઊંચા ભાવે વેચાશે, એટલે રસોડા સુધી પહોંચતાં-પહોંચતા તેના ભાવમાં અનેક ગણો વધારો થશે. 

હવે, વાત કરીએ કપાસની. સરકારે કપાસનો ટેકાનો ભાવ પણ 350 રૂપિયાથી વધુ વધાર્યો છે. ખેડૂતોને હવે એક ક્વિન્ટલ મીડિયમ સ્પેટલ કપાસ માટે 6,080 રૂપિયા અને લોંગ-સ્પેટલ કપાસ માટે 6,380 રૂપિયા મળશે. ગયા વર્ષે ઓછું ઉત્પાદન થવાને કારણે કપાસના ભાવ તો પહેલેથી જ આભ આંબી રહ્યાં છે અને ખેડૂતોને આ વર્ષે કપાસના વેચાણ પર સારો ફાયદો પણ થઈ રહ્યો છે. સરકારે ટેકાનો ભાવ વધાર્યો એટલે, ખેડૂતોને કપાસની ખેતી કરવાનું પ્રોત્સાહન પણ મળશે. પરંતુ કપાસના ભાવ વધશે તો કપડાં મોંઘાં થશે અને આ મોંઘા કપડાં ગ્રાહકોના ખિસ્સામાં કાણું નહીં, પણ મોટું બાકોરું પાડશે. 

સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો તે ખેડૂતોની દૃષ્ટિએ યોગ્ય છે, કારણ કે, મોંઘવારીને કારણે ખેતીવાડીનો ખર્ચ વધી ગયો છે, ખેડૂતો આ ખર્ચથી પરેશાન છે અને આ ઊંચા ખર્ચને ધ્યાનમાં રાખીને જ સરકારને પણ નાછૂટકે ટેકાના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">